લોનના બહાને ૧૪ વીઘા જમીન પચાવી પાડવાનો આરોપ, પરત કરવા ૩ કરોડ માંગ્યા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામમાં ખેડૂત સાથે જમીનને લઈને ગંભીર છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ખેડૂતની ફરિયાદ મુજબ, ૨૦ લાખની લોન આપવાના બહાને તેની ૧૪ વીઘા જમીનના દસ્તાવેજો મેળવી લેવામાં આવ્યા હતા. બાદમાં જમીન પરત મેળવવા માટે મોટી રકમની માગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ખેડૂત પરેશભાઈ સોજીત્રાને ૨.૫ ટકા માસિક વ્યાજે લોન આપવાની વાત કરી હતી. નાણાકીય લેવડદેવડ દરમિયાન ખેડૂત પાસેથી કોરા ચેક અને જમીન સંબંધિત દસ્તાવેજા લેવામાં આવ્યા હતા.

ખેડૂતના જણાવ્યા પ્રમાણે, વાસ્તવમાં આશરે ૧૫.૨૦ લાખની લેવડદેવડ થઈ હતી. જોકે, સાદા લખાણના આધારે તેની ૧૪ વીઘા જમીન વાઘુ વીરા ડાંગરના નામે કરી દેવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.જ્યારે ખેડૂતે પોતાની જમીન પરત મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે જમીન ખાલી કરવા માટે ૩ કરોડની માગ કરવામાં આવી હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ પછી જમીન પરત મેળવવા માટે ખેડૂતે ૧.૨૫ કરોડ ચૂકવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે.આટલી મોટી રકમની વ્યવસ્થા કરવા માટે ખેડૂતને પોતાની અન્ય ૯ વીઘા જમીન વેચવી પડી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.

આ મામલે ખેડૂતની ફરિયાદના આધારે કાલાવડ પોલીસે અલ્પેશ દોંગા, અક્ષિત અકબરી, આકાશ ડાંગર, વાઘુ વીરા ડાંગર અને રણજીત કાનભાઈ સામે ગુનો નોંધ્યો છે.પોલીસે બીએનએસની સંબંધિત કલમો ઉપરાંત ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. હવે પોલીસ જમીનના દસ્તાવેજા, નાણાકીય લેવડદેવડ, ચેક અને ફરિયાદમાં કરવામાં આવેલા અન્ય દાવાઓની તપાસ કરશે. આ કેસમાં ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો તપાસનો વિષય છે. પોલીસ તપાસ આગળ વધ્યા બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.