સરદાર વલ્લભભાઇ પટેલના રાજકીય વારસાને લઇને તેલંગાણામાં ભાજપ અને કોંગ્રેસ આમનેસામને

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના રાજકીય વારસાને લઇને તેલંગાણામાં ભાજપ અને કોંગ્રેસ રવિવારે આમનેસામને રહેશે. આના માટે બંને તરફથી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં પ્રથમ કાર્યસમિતિ (સીડબલ્યુસી)ની બેઠક હૈદરાબાદમાં થઇ રહી છે. બીજી બાજુ ભાજપ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં 17મી સપ્ટેમ્બરે તેલંગાણા દિવસના પ્રસંગે નિઝામના સંકજામાંથી રાજ્યને સ્વતંત્ર કરવાના અવસરની ઉજવણી કરશે. આને લઇને રેલી યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ તેને સંબોધન કરશે.

હકીકતમાં કોંગ્રેસ દાયકા બાદ સરદાર પટેલને પોતાના વારસાના હિસ્સા તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે. આ ક્રમમાં સીડબલ્યૂસીની બેઠકની સાથે કોંગ્રેસ હૈદરાબાદમાં રેલી યોજશે. આ રેલીને સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધિત કરશે. સૂત્રોએ કહ્યું છે કે આ રેલીમાં કોંગ્રેસના નેતા દેશના પ્રથમ ગૃહમંત્રી અને નિઝામને પછડાટ આપીને અખંડ ભારતનું સપનું પૂર્ણ કરનાર સરદાર પટેલના રાજકીય વારસાને ભાજપના હાથમાંથી આંચકી લેવા માટે પ્રયાસ કરશે. કારણ કે ભાજપ સરદાર પટેલને સતત અપનાવે છે. કોંગ્રેસ તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ પણ આ દરમિયાન ફૂંકશે. સૂત્રોએ કહ્યું છે કે કોંગ્રેસ ત્યાં પોતાની 5 ગેરંટીની જાહેરાત પણ કરવા જઇ રહી છે.

કોંગ્રેસ હવે કેસીઆરને પરચો બતાવવા અને તેલંગાણા રાજ્યની રચનાનો શ્રેય લેવાની તૈયારી કરી રહી છે. કર્ણાટકમાં સરકારના 40% કમિશનના સૂત્રને ગેમચેન્જર માનવામાં આવે છે. તેને તેલંગાણામાં નવા વલણ સાથે અપનાવવામાં આવશે અને કેસીઆરને 100% કમિશનવાળી સરકાર તરીકે રજૂ કરાશે. પાર્ટીનું માનવું છે કે 2018થી ચિત્ર ઘણું બદલાઈ ગયું છે, જ્યારે પાર્ટીને 119 બેઠકોની વિધાનસભામાં 18% મતો સાથે 21 બેઠકો મળી હતી. કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું કે ભાજપના કેન્દ્રીય નેતાઓએ રાજ્યના ઝડપી પ્રવાસો કર્યા અને કેસીઆર સરકાર વિરુદ્ધ માહોલ ઊભો કર્યો પરંતુ ભગવા પાર્ટીમાં પાયાના સ્તરે કાર્યકરોનો અભાવ છે. આંતરિક સરવેમાં કોંગ્રેસના મતોમાં 8 થી 10%નો વધારો થયો છે. તેલંગાણાના પ્રભારી માણિકરાવ ઠાકરે અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રેવન્ત રેડ્ડી વચ્ચેના સંકલનને પણ બળ મળ્યું છે.

ભાજપે તેના તમામ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા 5 દિવસીય સંસદ સત્રમાં તમામ સભ્યો હાજર રહે. વ્હીપ લોકસભા અને રાજ્યસભા બંને સભ્યો માટે છે. કોંગ્રેસે પણ પોતાના સાંસદોને વ્હીપ જારી કરીને સત્રમાં હાજર રહેવા જણાવ્યું છે.

પવન કલ્યાણની પાર્ટી જનસેના, જે એનડીએનો ભાગ છે, આંધ્રપ્રદેશમાં એન.ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ડીડીપી) સાથે ચૂંટણી લડશે. જેલમાં બંધ પૂર્વ સીએમ ચંદ્રબાબુને મળ્યા બાદ કલ્યાણે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ટીડીપી સાથે જવા અંગે ઘણા સમયથી વિચારી રહ્યા હતા.