કલંક્તિ નેતાઓ પર ચૂંટણી લડવા ૬ વર્ષ નહીં પણ આજીવન પ્રતિબંધ મૂકો : ન્યાયમિત્રનો તર્ક

ગુનાહિત બાબતોમાં કોર્ટે દોષી જાહેર કરેલા નેતાઓ સામે ચૂંટણી લડવા અંગે આજીવન પ્રતિબંધ મુકાવો જોઈએ. હાલમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ પ્રમાણે સજાનો સમયગાળો પૂરો થયા પછી કલંકિત નેતાઓને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. ગુનાહિત બાબતોમાં આરોપી સાંસદો/ધારાસભ્યોના મુદ્દે સુપ્રીમકોર્ટે નીમેલી એમિકસ ક્યૂરી (ન્યાયમિત્ર) વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલા અહેવાલમાં આ વાત ટાંકી છે. અહેવાલ પ્રમાણે ચૂંટણી લડવાની અયોગ્યતાને 6 વર્ષ પૂરતી મર્યાદિત રાખવી એ સમાનતાના અધિકારનું હનન છે.

અહેવાલ પ્રમાણે દેશમાં નૈતિક અધ:પતનનો ગુનો આચરનારા લોકપાલ, વિજિલન્સ કમિશનર અને માનવ અધિકાર આયોગના અધ્યક્ષ સહિત 20 ઉચ્ચ બંધારણીય પદોના અધિકારીઓને હોદ્દા પરથી ઉતારી દેવાય છે તો સાંસદો/ધારાસભ્યોને વિશેષ રાહત આપવી એ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.

અરજદાર અશ્વિની ઉપાધ્યાયે કલંકિત નેતાઓ પર આજીવન ચૂંટણી લડવા સામે પ્રતિબંધ મૂકવા માગણી કરી હતી. દેશમાં નૈતિક અધ:પતન સાથે સંકળાયેલા ગુના આચરવા બદલ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અને વિજિલન્સ કમિશનરને દૂર કરવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ, 2003 છે. એ જ પ્રકારના ગુનામાં લોકાયુક્તને અયોગ્ય ઠેરવવા માટે લોકાયુક્ત એક્ટ, 2013 છે. રાજ્ય અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષને દૂર કરવા માટે પ્રોટેક્શન ઑફ હ્યુમન રાઇટ એક્ટ, 1993 છે. તો પછી એ જ ગુના માટે સાંસદો/ધારાસભ્યોને રાહત આપવી, એ ભેદભાવ છે.

દેશના કુલ 763 સાંસદમાંથી 306 એટલે કે 40% સામે ગુનાહિત કેસ છે. તેમાં 194 સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ પર અત્યાચાર જેવા ગંભીર ગુનાહિત કેસ છે.

કુલ 4,001 ધારાસભ્યમાંથી 1,777 એટલે કે 44% સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેમાં 1,136 એટલે કે 28% સામે હત્યા, અપહરણ અને મહિલાઓ પર અત્યાચાર જેવા ગંભીર ગુનાહિત કેસ છે. કેરળમાં સૌથી વધુ 70% (135માંથી 95 સામે) ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ છે.

અદાલતોમાં સાંસદો અને ધારાસભ્યો સામેના 5,175 ગુનાહિત કેસ પડતર છે. તેમાં 40% એટલે કે 2,116 કેસ 5થી વધુ વર્ષ જૂના છે. ન્યાયમિત્રે અહેવાલમાં આ તમામ કેસનો ઝડપથી નિકાલ લાવવા માટે રોજ સુનાવણી યોજવાનું સૂચન કર્યું છે. જે જજો પાસે નેતાઓ સામેના ગુનાહિત કેસ હોય તેઓને અન્ય કેસ ન સોંપવા જોઈએ. તેવો નિર્દેશ હાઈકોર્ટે પોતાના હસ્તકની અદાલતોને આપવો જોઈએ. ઓછામાં ઓછી 2 સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવી.

ન્યાયમિત્રે અહેવાલમાં જણાવ્યું હતું કે રાજકીય નેતા ચૂંટણી જીતીને કાયદો બદલી પણ શકે છે. એવામાં કોઈ ગુનાહિત કિસ્સામાં અયોગ્ય જાહેર થયાનો સમયગાળો પૂરો થયા પછી તે સંબંધિત કાયદો નષ્ટ કરવાનો પ્રયાસ કરે, એ સંભાવના નકારી શકાય તેમ નથી. કાયદો ટકાવી રાખનારાઓ કરતાં કાયદો ઘડનારાઓએ ઘણા વધુ પવિત્ર અને નિયમોનું પાલન કરે, તેવા હોવું આવશ્યક છે. સાંસદ અને ધારાસભ્યો લોકોની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે અને નૈતિક અધ:પતન સાથે સંકળાયેલા ગુના કરતાં પકડાય તો તેઓને સ્થાયી રીતે અયોગ્ય ઠેરવી શકાય છે.’