શહીદ મેજર આશિષ પંચમહાભૂતમાં વિલીન:સૈન્યસન્માન સાથે અંતિમસંસ્કાર

  • મેજરભાઈએ મુખાગ્નિ આપ્યો ; માતાએ હાથ જોડ્યા, બહેને સેલ્યૂટ કરી

પાનીપત, કાશ્મીરના અનંતનાગમાં ૧૩ સપ્ટેમ્બરે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા મેજર આશિષ ધૌંચક (૩૬)ના અંતિમ સંસ્કાર તેમના વતન બિંજૌલ ગામમાં કરવામાં આવ્યા હતા. મેજર આશિષને તેમના ભાઈ મેજર વિકાસે મુખાગ્નિ આપ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા મેજર આશિષને સૈન્ય સન્માન સાથે શીખ રેજિમેન્ટના જવાનોએ ગનથી સલામી આપી હતી.

કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા મેજર આશિષનો પાર્થિવ દેહ પાણીપતથી તેમના વતન બિંજૌલ ગામ લવાયો હતો. એક કિલોમીટર લાંબો કાફલો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. લગભગ ૧૦ હજાર જેટલા લોકો જોડાયા હતા. શહીદને અંતિમ વિદાય આપવા માટે લોકોની ભારે ભીડ ઊમટી હતી. અંતિમ યાત્રામાં ભારત માતા કી જય,મેજર આશિષ અમર રહોના સુત્રો બોલાયા હતાં લોકો હાઈવેની બંને બાજુ ફૂલોની વર્ષા કરીને અંતિમ વિદાય આપી હતી. પાણીપતથી તેમના ગામનું અંતર ૮ કિમી છે.

શહીદ મેજર આશિષના પાર્થિવ દેહને શુક્રવારે (૧૫ સપ્ટેમ્બર) સવારે પાણીપતના ટીડીઆઇસિટીમાં તેમના નવા ઘરે લાવવામાં આવ્યો હતો. જે ઘરને આશિષ બે વર્ષથી બનાવી રહ્યા હતા. આ ઘરમાં તેઓ ઓક્ટોબરમાં તેના જન્મદિવસે જાગરણ સાથે ગૃહ પ્રવેશ કરવાના હતા. આજે તેમના પાર્થિવ દેહને એ જ ઘરમાં લાવવામાં આવ્યો હતો. અંતિમ યાત્રા દરમિયાન શહીદ મેજર આશિષના માતા અને બહેન પણ બિંજૌલ ગયા તેમણે એટલું જ કહ્યું કે મારો ભાઈ અમારું અને દેશનું ગૌરવ છે. તેમના માતા સતત હાથ જોડી રહ્યા હતા, જ્યારે બહેન પોતાના ભાઈને સલામી આપી રહી હતી.

માહિતી મુજબ મેજર આશિષના લગ્ન ૧૫ નવેમ્બર ૨૦૧૫ના રોજ જીંદની રહેવાસી જ્યોતિ સાથે થયા હતા. ચાર મહિના પહેલા ૨ મેના રોજ અર્બન એસ્ટેટમાં રહેતા સાળા વિપુલના લગ્નમાં રજા લઈને આશિષ ઘરે આવ્યા હતા. તે અહીં ૧૦ દિવસ રોકાયા બાદ ફરજ પર પરત ફર્યા હતા. તેમનો પરિવાર પહેલા તેમના વતન ગામ બિંજૌલમાં રહેતો હતો. મેજર આશિષ ૩ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. તેમની ત્રણ બહેનો અંજુ, સુમન અને મમતા પરિણીત છે. તેમની માતા કમલા ગૃહિણી અને પિતા લાલચંદ એનએફએલમાંથી નિવૃત્ત થયા છે. તેમના કાકાનો પુત્ર વિકાસ પણ ભારતીય સેનામાં મેજર છે. તેની પોસ્ટિંગ ઝાંસીમાં છે પરંતુ હાલ તે પુણેમાં ટ્રેનિંગ પર છે.