૧ હજાર કરોડના ક્રિપ્ટો પોન્ઝી સ્કેમમાં ગોવિંદા ફસાયો, ઓડિશાની ક્રાઇમબ્રાંચ પૂછપરછ કરશે

બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે જોડાયેલા એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. ગોવિંદાએ મહેનત કરીને ઇન્ડસ્ટ્રીમાં એટલું નામ કમાવ્યું છે કે દરેક બાળક એમને ઓળખે છે. પરંતુ હવે લાગે છે કે અભિનેતાનું નામ બદનામ થવા જઈ રહ્યું છે. કારણ કે હવે ગોવિંદા એક મોટા કૌભાંડમાં ફસાઈ ગયો છે. 

એ વાત તો નોંધનીય જ છે કે ગોવિંદાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે અને ફરી એકવાર તે એક મોટા વિવાદનો શિકાર થતો જોવા મળી રહ્યા છે. આ વખતે કરોડો રૂપિયાના ક્રિપ્ટો-પોન્ઝી કૌભાંડમાં ગોવિંદાની પૂછપરછ કરવામાં આવી શકે છે. ઓડિશા ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) 1000 કરોડના ઓનલાઈન કૌભાંડમાં અભિનેતાની પૂછપરછ કરવા જઈ રહી છે. 

જો કે ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ આ અંગે સ્પષ્ટતા આપી છે. શશિ સિન્હાએ સ્પષ્ટતા કરી છે કે મીડિયામાં અધૂરા સમાચારો ફરતા થયા છે અને અભિનેતાને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

શશિ સિન્હાએ કહ્યું હતું કે, “ગોવિંદા એક ઈવેન્ટ માટે એક એજન્સીમાંથી ગયા હતા અને પાછા ફર્યા હતા. અમારે તેના બિઝનેસ કે બ્રાન્ડિંગ સાથે કોઈ લેવાદેવા નથી. મીડિયામાં અધૂરા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે.”

બહાર આવી રહેલી માહિતી અનુસાર ગોવિંદાએ એક પ્રમોશનલ વીડિયોમાં એક કંપનીનું પ્રમોશન કર્યું હતું જે પોન્ઝી સ્કેમ કરે છે. જો કે આ કૌભાંડનો મુખ્ય આરોપી હાલમાં EOWની કસ્ટડીમાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અધિકારીઓએ કહ્યું છે કે સોલર ટેકનો એલાયન્સ (STA-Token) ઘણા દેશોમાં ક્રિપ્ટો રોકાણના બહાના હેઠળ ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં સામેલ હતી. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો આ કૌભાંડનો શિકાર બન્યા છે અને અત્યાર સુધી 1000 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ ચૂકી છે. 

હવે EOW આ સંબંધમાં અભિનેતા ગોવિંદાની પૂછપરછ કરશે. EOW ઈન્સ્પેક્ટર જનરલ જેએન પંકજે આ મામલે કહ્યું, “અમે ટૂંક સમયમાં ફિલ્મ સ્ટાર ગોવિંદાની પૂછપરછ કરવા માટે એક ટીમ મુંબઈ મોકલીશું, એમને જુલાઈમાં ગોવામાં STAના ભવ્ય સમારોહમાં હાજરી આપી હતી અને કેટલાક વીડિયોમાં કંપનીનો પ્રચાર પણ કર્યો હતો.”

જો જે અભિનેતાના ચાહકો માટે એ રાહતની વાત છે કે EOW અનુસાર, ગોવિંદા આ કેસમાં આરોપી નથી અને ન તો તેના પર કોઈ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ મામલામાં તેની સંડોવણી વિશે પૂછપરછ કરવામાં આવશે ત્યારે આગળ આ વિશે વધુ ખબર પડી શકે છે. જો એવું સાબિત થાય કે આ કેસમાં ગોવિંદાની સંડોવણી માત્ર સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ સુધી જ સીમિત છે તો તેને આ કેસમાં સાક્ષી બનાવી શકાય છે.

જણાવી દઈએ કે આ કંપનીએ ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, આસામ, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોના લોકોને ટાર્ગેટ કર્યા હતા.