એશિયા કપ 2023 હવે તેના અંતિમ તબક્કામાં છે અને રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. આ દરમિયાન ગઇકાલે સુપર-4 ની મેચમાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ICCએ શુક્રવારે ODI રેન્કિંગ જાહેર કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.
એશિયા કપમાં ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમને નુકસાન વેઠવું પડ્યું છે. ગુરુવારે એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં શ્રીલંકા સામેની હાર બાદ પાકિસ્તાન હવે ICC ODI રેન્કિંગમાં ત્રીજા સ્થાને આવી ગયું છે અને એ સાથે જ એશિયા કપમાં તેની ટીમની સફર પણ સમાપ્ત થઈ ગઈ છે.
એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકા સામે હાર સાથે પાકિસ્તાનની ટીમે ICC ODI રેન્કિંગમાં ટોચનું સ્થાન પણ ગુમાવ્યું છે. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાનની ટીમ નંબર-3 પર આવી ગઈ છે. આ સાથે જ ભારતે એક રેન્ક છલાંગ લગાવીને નંબર-2 પર કબજો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ODI રેન્કિંગમાં ટોચ પર પોતાનો ઝંડો લગાવ્યો છે.
ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં પણ નંબર 1નું સ્થાન હાંસલ કરી શકે છે. રેન્કિંગ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા 118 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને ભારત 116 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બંને ટીમો 15 સપ્ટેમ્બરે એક-એક વનડે મેચ રમશે. જ્યાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. જો ભારત તેની મેચ જીતી જાય છે અને ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડે છે તો ટીમ ઈન્ડિયા 116 રેટિંગ પોઈન્ટ સાથે ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી જશે. જ્યારે ઓસ્ટ્રેલિયાને 115 રેટિંગ પોઈન્ટ્સ મળશે.
શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનને 2 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય તેની ટીમ ભારત સામે રમાયેલી મેચમાં પણ 228 રનથી હારી ગઈ હતી. આ સતત બે પરાજયને કારણે પાકિસ્તાન ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાનેથી ત્રીજા સ્થાને ખસી ગયું છે. ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં તેના શાનદાર પ્રદર્શનનું પરિણામ મળ્યું છે. ભારતીય ટીમ હવે ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ પ્રથમ સ્થાન પર છે.