ઈન્ડીયા ગઠબંધન આકરા સવાલ કર્યા:સેનાના જવાનોની શહાદત થઈ તે જ દિવસે જી-૨૦ની સફળતાનો જશ્ર્ન ભાજપ મુખ્યાલયમાં કેમ મનાવાયો

નવીદિલ્હી, વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતા. તેણે પૂછ્યું કે જે દિવસે જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોની શહાદત થઈ તે જ દિવસે જી-૨૦ની સફળતાનો જશ્ર્ન ભાજપ મુખ્યાલયમાં કેમ મનાવાયો, શું તેને ૧-૨ દિવસ નહોતો ટાળી શકાતો.

કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેરાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, એક સમયે જ્યારે સરહદ પર આપણી સેનાના ત્રણ અધિકારીઓની શહાદતના દુ:ખદ સમાચાર આવી રહ્યા હતા, ત્યારે ભાજપના મુખ્યાલયમાં બાદશાહ માટે ઉત્સવનો માહોલ હતો. ગમે તે થાય, પણ વડા પ્રધાન તેમની વાહવાહી લેવાની કોઈ તક જતી ન કરી શકે.

આરજેડીના વરિષ્ઠ નેતા મનોજ ઝાએ કહ્યું, ગઈકાલે જ્યારે અમારા સૈનિકો શહીદ થઈ રહ્યા હતા, ત્યારે અમે જોયું કે ભાજપના મુખ્યાલયમાં ઉજવણી થઈ રહી હતી, ત્યાં લાલ ગુલાબની ઉજવણી કરવામાં આવી હતી. આપણે બધાએ તે દ્રશ્યો જોયા. મારા દેશના વડા પ્રધાન અને તેમની પાર્ટી ઉજવણી કરી રહ્યા હતા જ્યારે એક ૨૯ દિવસના બાળકે તેના પિતાને ગુમાવ્યા હતા. શિવસેના (યુબીટી)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, તે (ઉજવણી) ટાળી શકાઈ હોત. વધુ સંવેદનશીલતાની અપેક્ષા રાખી શકાતી હતી, ખાસ કરીને તે દિવસે જ્યારે આપણા સુરક્ષા દળો કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે ઉગ્રતાથી લડ્યા હતા. આપણા ત્રણ બહાદુર જવાનોએ દેશ માટે પોતાનો જીવ આપી દીધો છે.

હકીક્તમાં બુધવારે સાંજે પીએમ મોદી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઇસી)ની બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના મુખ્યાલય પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત દ્વારા આયોજિત જી૨૦ની ભવ્ય સફળતા બદલ ભાજપ મુખ્યાલયમાં તેની ઉજવણી ગોઠવાઈ હતી અને તેથી આ પ્રસંગે પીએમ મોદી ત્યાં પહોંચ્યાં હતા. ભાજપના હેડક્વાર્ટર પહોંચીને ત્યાં હાજર મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યર્ક્તાઓએ વડાપ્રધાન પર પુષ્પવર્ષા કરી મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકેરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક કર્નલ સહિત સેનાના ત્રણ અધિકારીઓ માર્યા ગયા હતા. કર્નલ મનપ્રીત સિંઘ, મેજર આશિષ ધોનાયક, જમ્મુ-કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હુમાયુ ભટ આ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું મોત નીપજ્યું હતું.