મુંબઈ: મરાઠા આરક્ષણની બેઠક બાદ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બંને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારનો પ્રેસ કોન્ફરન્સ શરૂ થવા પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાઈરલ થવાને કારણે નવો વિવાદ છેડાઈ ગયો છે. મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનનો કોન્ફરન્સ પહેલાંનો સંવાદનો આ વીડિયો છે, જેમાં માઈક ચાલુ હોવાનું ત્રણેમાંથી કોઈને ખબર નથી અને તેઓ કંઈક એવું કહી જાય છે કે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.
મરાઠા આરક્ષણ સંદર્ભે મુંબઈમાં એક સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી અને ત્યાર બાદ મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોએ પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો. પરંતુ પત્રકારોની સામે આવ્યા બાદ
સવાલ-જવાબ શરૂ થાય એ પહેલાં જ ત્રણેય વચ્ચેની વાત-ચીત સામે આવી છે. ત્રણેય નેતાઓને માઈક ચાલું હોવાની કલ્પના પણ નહોતી એવું આ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે.
પત્રકારો સામે આવ્યા બાદ મુખ્ય પ્રધાન શિંદે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને જોતા આપણને શું? બોલવાનું અને નીકળી જવાનું… કહેતાં સાંભળવા મળે છે. આગળ શિંદે એવું પણ કહેતા સાંભળવા મળે છે કે બોલીને નવરા પડી જવાનું…
આ વાક્ય પર અજિત પવારે પણ હા… યસ… એવું કહીને સમર્થન આપ્યું હતું. દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન શિંદેના કાનમાં માઈક ચાલુ છે એવું જણાવ્યું હતું અને પવારે પણ માઈલને ટચ કરીને હા સંભળાય છે એવું કહ્યું હતું.
આ વીડિયો વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટ કરીને વડેટ્ટીવાર જણાવ્યું હતું કે સરકારને માત્ર બોલીને નવરા પડી જવાનું છે. જનતાના સવાલો, સમસ્યાઓના જવાબ કે ઉકેલ તો આપવાના નથી. મુશ્કેલીઓનો ઉકેલ લાવવાને બદલે તેનાથી ભાગનારા નકામી સરકાર રાજ્યનો કારભાર ચલાવી રહી છે, એવા શબ્દોમાં ટીકા કરી હતી.
આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે આ વીડિયોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. મરાઠા આરક્ષણવિષયક સર્વપક્ષીય બેઠક પૂરી થયા બાદ સહ્યાદ્રિ અતિથિ ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ પહેલાં મારો અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર સાથેનો માઈક પરનો સંવાદ સોશિયલ મીડિયા પર ખૂટી રીતે રજૂ કરવામાં આવ્યો છે, જે બિલકુલ અયોગ્ય છે.