ભાજપે સાંતલપુર-હારિજના ૧૦ સદસ્યોને સસ્પેન્ડ કર્યા,કોંગ્રેસ પણ ૭ને સસ્પેન્ડ કરશે

તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના સદસ્યોએ બળવો કરતાં સાંતલપુર તાલુકા પંચાયતના 9 અને હારિજ તાલુકા પંચાયતના એક સદસ્યને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે સરસ્વતી અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 6 સદસ્યોએ બળવો કરતાં તેમને સસ્પેન્ડ કરવા જ્યારે પાટણ તાલુકા પંચાયતમાં એક સદસ્ય ગેરહાજર રહેતા તેના સામે પગલાં લેવા પ્રદેશમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.

સાંતલપુર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના 9 સદસ્યોએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતાં પ્રદેશ ભાજપ મોવડી મંડળની સુચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે શિસ્ત ભંગના પગલાં બદલ તાત્કાલિક અસરથી સાંતલપુર તાલુકા પંચાયતના 8 સદસ્યો સકતાભાઈ ખેતાભાઇ ચૌધરી, મદીનાબેન ઇમરાનભાઈ મલેક, બાબુભાઈ વાઘાભાઈ ઠાકોર, હીનાબેન સામતભાઈ મલેક, સામતભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, સાનુબેન હીરાભાઈ આયર, વિરમભાઈ ભીખાભાઈ આયર, મફાભાઈ સવસીભાઈ ઠાકોર, ભાવનાબેન રમેશભાઈ ચૌધરીને ભાજપના પ્રાથમિક સભ્યપદથી સસ્પેન્ડ કરાયા છે. જ્યારે હારિજ તાલુકા પંચાયતના અડિયા બેઠકના સદસ્ય હેતલબેન ઉદાજી ઠાકોરને પણ તાત્કાલિક અસરથી ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સાતલપુર તાલુકા પંચાયત ખાતે યોજાયેલી ઉપપ્રમુખની ચૂંટણીમાં તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ઇમરાનખાન રસુલખાન મલેકના પત્ની અને ભાજપના સક્રિય સભ્ય રસુલખાન રહેમતખાન મલેકના પુત્રવધૂ મદીનાબેન ઈમરાનખાન મલેકને પક્ષના મેન્ડેટનો અનાદર કરી પક્ષના ઉમેદવાર સામે ઉભા રાખી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં બંનેને તાત્કાલિક અસરથી ભાજપના પ્રાથમિક સભ્યપદથી સસ્પેન્ડ કર્યા છે.

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોરે જણાવ્યું કે સરસ્વતી અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 3-3 સદસ્યોએ કોંગ્રેસના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતા તેમને સસ્પેન્ડ કરવા માટે પ્રદેશ કોંગ્રેસમાં રિપોર્ટ કર્યો છે. જ્યારે પાટણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના એક સદસ્ય ગેરહાજર રહેતા તેમની સામે પગલા લેવા પણ રિપોર્ટ કર્યો છે.