અમદાવાદ: ગુજરાતમાં વર્ષોથી ચાલી રહેલી દારૂબંધી વચ્ચે પણ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી અને દેશી દારૂ પકડાય છે, દારૂબંધીના ફાયદાની સાથો સાથે ગેરફાયદા પણ ઘણાં છે તેમજ સમાનતાથી જીવવાના અને ખાવા-પીવાના અધિકારનું હનન થતું હોવાના દાવા વચ્ચે ગુજરાત હાઇ કોર્ટમાં થયેલી અરજીઓની હવે ૯મી ઓક્ટોબરથી સુનાવણી થશે. એક દેશ, એક કાયદાની હિમાયત કરતા અનેક નાગરિકોએ દારૂબંધીના કાયદાને નાબૂદ કરવા હાઈ કોર્ટમાં અરજી કરી છે.
ગુજરાત હાઇ કોર્ટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ, ૧૯૪૯ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરશે. આ કેસ ૧૨મી સપ્ટેમ્બરે ડિવિઝન બેંચ સમક્ષ લાવવામાં આવ્યો હતો. અરજદાર પક્ષે આ કેસની પ્રાથમિક સુનાવણીની માગ કરી હતી. આ કાયદાની શરૂઆતના સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છે, જે શરૂઆતમાં બોમ્બે પ્રોહિબિશન એક્ટ તરીકે ઓળખાતો હતો. જો કે, કાયદાની અંદરની વિવિધ જોગવાઈઓની બંધારણીય માન્યતા ચકાસણી હેઠળ આવી છે. ઑગસ્ટ ૨૦૨૧માં ગુજરાત હાઇ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની આગેવાની હેઠળની ગુજરાત હાઈ કોર્ટની બેન્ચના અગાઉનાં અવલોકનો અને તારણોને ધ્યાનમાં રાખીને આ અરજીઓની સુનાવણી ગુણવત્તાના આધારે કરવામાં આવશે.
રાજ્યમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી ૨૦૧૮માં થઈ હતી. ત્રણ ગુજરાતના રહેવાસીઓએ પ્રથમ અરજી દાખલ કરી હતી. તેમની ફાઇલિંગમાં તેઓએ પ્રોહિબિશન એક્ટની કેટલીક કલમો અને બોમ્બે ફોરેન લિકર રૂલ્સ, ૧૯૫૩ હેઠળ નિર્ધારિત વિવિધ નિયમો સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ૨૦૧૯ માં વિવિધ પૃષ્ઠભૂમિનું પ્રતિનિધિત્વ કરતા વાદીઓ દ્વારા વધારાની પાંચ અરજીઓ સબમિટ કરવામાં આવી હતી, જે તમામે કાયદાને પડકાર્યો હતો.
અરજદારોએ ગોપનીયતાના અધિકાર પર તેમની પડકારનો આધાર રાખ્યો છે, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૧૭ થી અનેક ચુકાદાઓમાં મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે. ખાસ કરીને, બંધારણના અનુચ્છેદ ૧૪ હેઠળ સમાનતાના અધિકારના ઉલ્લંઘનનો આક્ષેપ કરીને, રાજ્ય બહારના પ્રવાસીઓ માટે આરોગ્ય પરમિટ અને કામચલાઉ પરમિટ સંબંધિત વિભાગો પર પ્રશ્ર્નો ઊભા થયા છે.