અમદાવાદમાં કોર્પોરેશનની કચરાની ગાડીએ બાઈકચાલકને અડફેટે લેતા યુવકનું મોત

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આજે ફરી કોર્પોરેશનના વાહનના કારણે એક સામાન્ય વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કોર્પોરેશનના કચરાની ગાડીએ બાઈકચાલત યુવકને અડફેટ લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું. પોલીસને પણ જાણ થતા ટ્રાફિક DCP સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત સર્જી ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓઢવ રીંગ રોડ પાસે ગઈકાલે મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવેશ પટેલ નામનો યુવક બાઈક લઈને રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કચરાના વાહને તેની બાઈકને અડફેટે લીધી હતી. જેના કારણે તે નીચે પટકાયો હતો અને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ યુવકને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કોર્પોરેશનનો વાહનચાલક ઘટનાસ્થળે ફરાર થઈ ગયો હતો.

આ બનાવવાની જાણ થતા ટ્રાફિક પોલીસના અધિકારીઓ તેમજ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આરોપીને પકડવા માટે અધિકારીઓએ સૂચના આપી હતી. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસને સૂચના આપી છે. આરોપીને જો કોઈ મદદ કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોર્પોરેશનના કેટલાક વાહનોના કારણે સામાન્ય લોકોને અકસ્માતમાં ભોગ બનવું પડ્યું હતું. ત્યારે વધુ એક અકસ્માતે સમગ્ર વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભો કર્યો છે.