
મુંબઇ, શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના નામ પર દરરોજ નવા રેકોર્ડ જોડાઈ રહ્યા છે. આ ફિલ્મે કમાણીના મામલે ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે ૬ દિવસમાં જોરદાર બિઝનેસ કર્યો છે. ચાલો જાણીએ આ ફિલ્મ સાતમા દિવસે કેટલી કમાણી કરી છે.
જવાન, જવાન અને માત્ર જવાન.. હાલમાં આ ફિલ્મનું નામ દરેકના હોઠ પર છે. બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાને આ ફિલ્મ દ્વારા સિનેમાના પડદાની સાથે સાથે બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે. ૭ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે જ ૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વિશ્ર્વભરમાં આ આંકડો ૧૦૦ કરોડને પાર કરી ગયો હતો. ફિલ્મ રિલીઝ થયાને ૭ દિવસ થઈ ગયા છે અને કમાણી ચાલુ છે. ચાલો જાણીએ આ ફિલ્મ સાતમા દિવસે કેટલી કમાણી કરી શકે છે.
છઠ્ઠા દિવસે આ ફિલ્મે તમામ ભાષાઓ સહિત ભારતમાં ૨૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે બાદ ફિલ્મનું ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન ૩૪૫.૦૮ કરોડ થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ૭માં દિવસે લગભગ ૨૧.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. અનુમાન મુજબ જો જવાન ૭માં દિવસે ૨૧.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે તો તેનું કુલ કલેક્શન ૩૬૬ કરોડ રૂપિયા થઈ જશે. આ ફિલ્મ માત્ર આપણા દેશમાં જ નહીં વિદેશમાં પણ અજાયબીઓ કરી રહી છે. ઘરેલુ અને વિદેશી કલેક્શન સહિત રેડ ચિલીઝના જણાવ્યા અનુસાર, જવાને દુનિયાભરમાંથી ૬ દિવસમાં ૬૨૧.૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
શાહરૂખ ખાને આ ફિલ્મ દ્વારા ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેની રિલીઝના માત્ર ચાર દિવસમાં આ ફિલ્મ વિશ્ર્વભરમાં રૂ. ૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ અને સૌથી ઝડપથી રૂ. ૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાનો રેકોર્ડ જવાનના નામે જોડાઈ ગયો. આ સિવાય હિન્દીમાં જલદીથી ૩૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થવાનો રેકોર્ડ પણ શાહરૂખની ફિલ્મના નામે થઈ ગયો છે. આ ફિલ્મમાં શાહરૂખની સામે નયનતારા જોવા મળી રહી છે. દીપિકા પણ કેમિયો રોલમાં જોવા મળી છે.