
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી (General Elections) યોજવાની તારીખની રાહ જોવામાં આવી રહી હતી તેનો લગભગ અંત આવી ગયો છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ મંગળવારે ચૂંટણી યોજવા માટે 6 નવેમ્બરની તારીખનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રઝાને પત્ર લખીને 6 નવેમ્બરે ચૂંટણી યોજવાનું કહ્યું છે. અલ્વીએ પોતાના પત્રમાં કહ્યું છે કે તેમણે વડાપ્રધાનની સલાહ પર 9 ઓગસ્ટે નેશનલ એસેમ્બલી ભંગ કરી દીધી હતી.
આરિફ અલ્વીએ બંધારણના અનુચ્છેદ 48(5)નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, રાષ્ટ્રપતિને સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે વિધાનસભાના વિસર્જનની તારીખથી 90 દિવસની અંદર તારીખ નિયુક્ત કરવાની સત્તા છે. તેથી, અનુચ્છેદ 48(5) મુજબ, રાષ્ટ્રીય સભાના વિસર્જનની તારીખ પછી 89મા દિવસે એટલે કે 6 નવેમ્બર 2023ના રોજ સામાન્ય ચૂંટણી યોજવી જોઈએ.
જો કે, પાકિસ્તાનના ચૂંટણી પંચે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, ચૂંટણીની તારીખ નક્કી કરવા તે તેના અધિકારક્ષેત્રમાં છે, ત્યારબાદ રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 48(5)નો ઉલ્લેખ કર્યો. રાષ્ટ્રપતિએ 9 ઓગસ્ટે નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી ત્યારથી પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) આ મામલે મૌન સેવી લીધું છે. પાકિસ્તાનમાં વિધાનસભા ભંગ થયાના 90 દિવસની અંદર ચૂંટણી યોજવામાં આવે છે.
આ સાથે જ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાકિસ્તાનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાંથી બહાર આવશે? જો કે હાલ તેના જેલમાંથી બહાર આવવાના કોઈ સંકેત દેખાતા નથી. પાકિસ્તાનની વિશેષ અદાલતે સિફર કેસમાં ઇમરાન ખાનની ન્યાયિક કસ્ટડી 26 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.
ઈમરાન ખાન તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત જાહેર થયા બાદ 5 ઓગસ્ટથી જેલમાં બંધ છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે 29 ઓગસ્ટે તેની સજાને સ્થગિત કરી દીધી હતી, પરંતુ તે હજુ પણ સિફર કેસમાં એટોક જેલમાં છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન પર વોશિંગ્ટનમાં પાકિસ્તાનના દૂતાવાસમાંથી ગોપનીય રાજદ્વારી કેબલ લીક થવાના સંબંધમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.