સંજેલીના તરકડા મહુડી ગામે જંગલ ખાતાની જમીન બાબતે 27 ઈસમોએ ફોરેસ્ટના અધિકારી અને કર્મચારીઓ ઉપર હુમલો

દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે જંગલ ખાતાની જમીન બાબતે થયેલ ઝઘડા તકરારમાં 27 જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં લાકડીઓ લઈ આવી જંગલ ખાતાની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ત્યારે તેઓને રોકવા જતાં જંગલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ પર ટોળાએ હુમલો કરી જંગલ ખાતાના કર્મચારીઓને ગડદાપાટ્ટુનો માર મારી કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગાડીયા ગામે રહેતાં ચુનાભાઈ વાલાભાઈ કલાસવા, હરસિંગભાઈ નાથાભાઈ કલાસવા, મહેશભાઈ સોમાભાઈ કલાસવા, સતિશભાઈ હરસીંગભાઈ કલાસવા, સુમનભાઈ પુનાભાઈ કલાસવા, શૈલેષભાઈ ચુનાભાઈ કલાસવા, પાર્વતીબેન ચુનાભાઈ કલાસવા તથા તેમની સાથે અન્ય વીસ જેટલા ઈસમોએ પોતાની સાથે લાકડીઓ જેવા મારક હથિયારો લઈ સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે જંગલ ખાતાની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો ત્યારે તેઓને રોકવા જતાં જંગલ ખાતાના કર્મચારી મેહુલકુમાર ઠાકોરભાઈ પટેલ તથા તેમની સાથેને જંગલ ખાતાના કર્મચારીઓ પર ઉપરોક્ત ટોળાએ હુમલો કરી ગડદાપાટ્ટુનો માર મારી જંગલ ખાતાના કર્મચારીઓને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સંબંધે સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે જંગલ ખાતામાં ફરજ બજાવતાં મેહુલકુમાર ઠાકોરભાઈ પટેલે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.