ડેપ્યુટી સરપંચ ના ઘરે સરપંચ દંપતી પહોચી બોલાચાલી કરી તલાટી પણ સામેલ હોવાનો વિડીયો વાઇરલ.
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામની ગ્રામ પંચાયતના વહીવટને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. મહિલા સરપંચ રાઠવા શકીબેનના બદલે તેમના પતિ શૈલેષભાઈ રાઠવા દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાની રજૂઆતો સાથે ડેપ્યુટી સરપંચ નટુભાઈ દ્વારા અગાઉ ગ્રામસભા અને ત્યારબાદ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
ગત ૨૬ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં પણ ડેપ્યુટી સરપંચ નટુભાઈ તથા અન્ય સભ્યોએ મહિલા સરપંચના બદલે તેમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવતો હોવાના મુદ્દે તલાટી કમ મંત્રી અતુલભાઈ કટારા સમક્ષ રજૂઆત કરી હતી. આ મુદ્દે અગાઉ ગ્રામસભામાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર નિરાકરણ આવ્યું ન હોવાનું ડેપ્યુટી સરપંચ તથા સભ્યોનું કહેવું છે.
આ સમગ્ર મામલો સમાચાર માધ્યમોમાં આવ્યા બાદ ગત રોજ ડેપ્યુટી સરપંચ નટુભાઈના ઘરે સરપંચ શકીબેન રાઠવા, તેમના પતિ શૈલેષભાઈ રાઠવા તથા તલાટી કમ મંત્રી અતુલભાઈ કટારા પહોંચ્યા હોવાનો વિડીયો વાઇરલ થયો છે. જેમાં સરપંચ દંપતી તલાટી ની કાર માં બેસી ડેપ્યુટી સરપંચ ના ઘરે પહોચી બોલાચાલી થઈ રહી હોવાનું વેદીઓ માં દેખાઈ રહ્યું છે. અહીં સમાચાર માધ્યમોમાં આ મુદ્દાઓ કેમ ઉઠાવવામાં આવે છે અને સમાચાર કેમ આપવામાં આવે છે, તે બાબતે બોલાચાલી તથા વિવાદ થયો હોવાનો ડેપ્યુટી સરપંચ દ્વારા ટેલિફોનિક વાત કરતાં જણાવ્યુ હતું.
ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ, સરપંચ દંપતી સાથે તલાટી કમ મંત્રી પણ પોતાની કારમાં તેમના ઘરે પહોંચ્યા હતા અને આ મુદ્દે તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, સમગ્ર ઘટનામાં સામેલ છે.
ચેલાવાડા ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં પણ ગેરરીતિ : વહીવટને લઈને માત્ર સરપંચના પતિ દ્વારા વહીવટ કરવામાં આવતો હોવાના મુદ્દા પૂરતો જ વિવાદ સીમિત નથી. ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામ પંચાયતની સફાઈ ગ્રાન્ટ તેમજ અન્ય વિકાસલક્ષી કામોમાં પણ ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પંચાયતના કેટલાક નિર્ણયો અને વહીવટમાં સભ્યોને વિશ્ર્વાસમાં લેવામાં આવતા ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ અંગે ડેપ્યુટી સરપંચ દ્વારા અગાઉ તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
રજૂઆત કરવી એ સભ્યોનો અધિકાર કે પછી દબાણ?
હવે સમગ્ર મામલે સવાલો ઉઠી રહ્યા છે કે, ગ્રામ પંચાયતના વહીવટ અંગે સામાન્ય સભા કે ગ્રામસભામાં પ્રશ્નો ઉઠાવનાર ડેપ્યુટી સરપંચ અને સભ્યોના ઘરે જઈને આ મુદ્દે બોલાચાલી કરવી યોગ્ય છે કે નહીં? તેમજ પંચાયતના વહીવટ અંગે કરવામાં આવેલી રજૂઆતોની સત્તાવાર તપાસ કરવામાં આવી છે કે નહીં તે પણ મહત્વનો પ્રશ્ન બન્યો છે.
સમાચાર પ્રકાશિત થયા બાદ થયેલી આ ઘટનાને કારણે પંચાયતના આંતરિક વિવાદે નવું સ્વપ ધારણ કર્યું છે. હવે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો હકીકત બહાર આવે તેવી માંગ ઉઠી રહી છે.