નવીદિલ્હી, સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને લઈને હજુ પણ રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનના બહાને ભાજપે વિપક્ષ પર પ્રહારો કર્યા છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે હિંદુ ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે અને તેની તુલના રોગો સાથે કરવામાં આવી છે.આવુ કોઇ બીજા સંપ્રદાય અંગે કહ્યુ હોત તો દેશમાં ભૂકંપ આવ્યો હતો. હિન્દુઓને ડરાવવામાં આવી રહ્યા છે. ધમકીઓ આપવામાં આવે છે કે રામ દર્શન કરવા જશે તો ગોધરા જેવો કાંડ થશે. સોનિયા ગાંધીના કહેવાથી જ આવા નિવેદનો આવી રહ્યા છે. સનાતન વિરોધી સતત ધર્મને નામે પોતાના રોટલાઓ શેકી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સનાતન ધર્મ મુદ્દે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સનાતન ધર્મનું ’અપમાન’ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઠાકુરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આ અંગે ’મૌન રાખવા’ માટે નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના નેતા ઉદયનિધિ સ્ટાલિને હાલમાં જ સનાતન ધર્મને લઈને નિવેદન આપ્યું હતું, જે બાદ બીજેપી નેતાઓ પર પ્રહારો કરી રહ્યા છે.