નવીદિલ્હી, જી ૨૦ સમિટ પૂર્ણ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દિલ્હી પોલીસના જવાનોએ પણ દિલ્હીની કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે દિવસ-રાત કામ કર્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પોલીસકર્મીઓ સાથે ડિનર કરશે. પીએમ મોદી આ અઠવાડિયે અંદાજે ૪૫૦ દિલ્હી પોલીસ સ્ટાફ સાથે ડિનર કરી શકે છે. આ માટે કોન્સ્ટેબલથી લઈને ઈન્સ્પેક્ટર સુધીના નામો માંગવામાં આવ્યા છે, જેઓ આ ડિનરમાં હાજરી આપશે.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ દરેક જિલ્લામાંથી એવા પોલીસકર્મીઓના નામ પૂછ્યા છે જેમણે G20 સમિટ દરમિયાન શાનદાર ફરજ બજાવી છે. તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ આ અઠવાડિયે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા અન્ય પોલીસકર્મીઓ સાથે પીએમ મોદી સાથે ડિનર કરી શકે છે અને શ્રેષ્ઠ ફરજ બજાવવા બદલ અભિનંદન આપી શકે છે. ભારતની રાજધાની નવી દિલ્હીમાં ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ આયોજિત જી ૨૦ લીડર્સ સમિટની સફળતા દેશ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓને જી૨૦ સમિટના અનુભવો વિશે મળ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે આ પછી તેઓ વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત તમામ સ્તરના કર્મચારીઓને મળવા અને વાત કરવા માટે અચાનક સુષ્મા સ્વરાજ ભવન પહોંચ્યા. તેમણે કહ્યું કે વડાપ્રધાને તેમની સાથે તેમના જી ૨૦ અનુભવ વિશે વાત કરી. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ બે દિવસીય શિખર સંમેલન રવિવારે સમાપ્ત થયું અને તેને ખૂબ જ સફળ માનવામાં આવી રહ્યું છે. વિશ્ર્વના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી છે.