સંસદના વિશેષ સત્ર પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી! કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

નવીદિલ્હી, ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના પાંચ દિવસીય વિશેષ સત્ર પહેલા સરકારે ૧૭ સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેફોર્મ ‘ઠ’ પર પોસ્ટ કરીને કહ્યું કે, આ મહિને ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર પહેલા, તમામ પક્ષોના ગૃહના નેતાઓની બેઠક ૧૭ સપ્ટેમ્બરે સાંજે ૪.૩૦ વાગ્યે બોલાવવામાં આવી છે.” તેમણે કહ્યું, “આ સંબંધમાં સંબંધિત નેતાઓને ઈ-દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યો છે.

લોક્સભા અને રાજ્યસભા સચિવાલયે તાજેતરમાં તેમના બુલેટિનમાં કહ્યું હતું કે સંસદનું વિશેષ સત્ર ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થશે અને સરકારના કામકાજને ધ્યાનમાં રાખીને, તે ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે. એવું કહેવામાં આવ્યું છે કે સત્ર સામાન્ય રીતે સવારે ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા સુધી અને પછી બપોરે ૨ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે.સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહોમાં કોઈ પ્રશ્ર્નકાળ અને બિન-સત્તાવાર કામકાજ થશે નહીં. સરકારે હજુ સુધી સત્રનો એજન્ડા જાહેર કર્યો નથી.

કોંગ્રેસે ફરી એકવાર સંસદના વિશેષ સત્રના એજન્ડા વિશે માહિતીના અભાવ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે સત્ર શરૂ થવામાં માત્ર પાંચ દિવસ બાકી છે, પરંતુ કદાચ ‘એક વ્યક્તિ’ સિવાય કોઈને પણ એજન્ડાની માહિતી નથી. આ પહેલા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેમણે સંસદના સત્ર સંબંધિત બંધારણીય જોગવાઈઓ અને સંસદીય પ્રક્રિયાઓ વિશેના તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે.