ભારત યુએનએસસીમાં છઠ્ઠી સ્થાયી બેઠક માટે મજબૂત દાવેદાર

  • પશ્ર્ચિમી દેશો ભારત માટે તેમના દરવાજા લાંબા સમય સુધી બંધ રાખી શક્તા નથી.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જાહેરાત કરી કે, ‘ભારત ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનશે. પશ્ર્ચિમી દેશો ભારત માટે તેમના દરવાજા લાંબા સમય સુધી બંધ રાખી શક્તા નથી.૪ મહિના પછી જયશંકરના શબ્દો સાચા સાબિત થતા જણાય છે. પીએમ મોદીએ યુએનએસસીના સ્થાયી સભ્યોને વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વિશ્ર્વના મોટા ભાગના દેશો ભારતને યુએનએસસીની કાયમી ખુરશી પર જોવા માંગે છે.

દ્વિતીય વિશ્ર્વયુદ્ધ પછી ૧૯૪૫માં ૫૦ દેશોએ મળીને સંયુક્ત રાષ્ટ્રનો પાયો નાખ્યો. અત્યારે ૧૯૩ દેશ આના સભ્ય છે. સંયુક્ત રાષ્ટ્રની સૌથી શક્તિશાળી બૉડીનું નામ છે- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસી ૫ દેશ આના સ્થાયી સભ્ય છે, જેને પી-૫ પણ કહેવામાં આવે છે. જેની અંદર ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. કોઇપણ પ્રસ્તાવ પસાર કરવા માટે આ પાંચ દેશોની સહમતી જરૂરી છે. જો કોઈ એક દેશ જો વીટો કરી દે તો પ્રસ્તાવને ફગાવી દેવામાં આવશે. ભારતનો ભાર છે કે ૭ દાયકા પહેલા ૫ દેશ સ્થાયી સભ્ય બન્યા હતા. બદલાતી દુનિયામાં હવે અન્ય દેશોને પણ સામેલ કરવા જોઈએ.

તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને કહ્યું, ‘જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બને તો તુર્કીને ગર્વ થશે. વિશ્ર્વ પાંચ કરતાં મોટું છે. અમે સુરક્ષા પરિષદમાં માત્ર આ ૫ ને રાખવા માંગતા નથી. તુર્કીએ ઘણીવાર પાકિસ્તાનની તરફેણમાં વલણ અપનાવ્યું છે. તે કાશ્મીર મુદ્દે પણ ખુલ્લેઆમ નિવેદનો આપે છે.

આ પહેલા જી૨૦ સમિટમાં ભાગ લેવા આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તેમના સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું, ‘વૈશ્ર્વિક શાસનમાં લોકોની વધુ ભાગીદારી અને પ્રતિનિધિત્વ હોવું જોઈએ. અમે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કરીએ છીએ. આ સંદર્ભમાં, અમે ૨૦૨૮-૨૯માં અસ્થાયી સભ્ય બનવા માટે ભારતની ઉમેદવારીનું સ્વાગત કરીએ છીએ.જી ૨૦માં ભાગ લેવા આવેલા યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે પણ કહ્યું કે યુએન સુરક્ષા પરિષદની સદસ્યતા પર નિર્ણય તેમના હાથમાં નથી, પરંતુ તેઓ ઈચ્છે છે કે યુએનએસસીમાં સુધારો કરવામાં આવે અને ભારતને પણ તેમાં સામેલ કરવામાં આવે.યુએનએસસીમાં ૫ સ્થાયી સભ્યો છે  અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. તેમાંથી ૪ દેશો ભારતને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ ચીન નથી ઈચ્છતું કે યુએનની સૌથી શક્તિશાળી સંસ્થામાં ભારતને એન્ટ્રી મળે. યુએન સુરક્ષા પરિષદમાં કોઈપણ ઠરાવ પસાર કરવા માટે તમામ ૫ સ્થાયી દેશોનું સમર્થન જરૂરી છે.ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને બ્રિટને પોતાની સંમતિ દર્શાવી છે, પરંતુ ચીન વિવિધ બહાને ભારતના કાયમી સભ્યપદનો વિરોધ કરી રહ્યું છે. વિડંબના એ છે કે, ભારતે ચીનને યુએનએસસીના કાયમી સભ્ય બનવાનું સમર્થન કર્યું હતું.

૧૯૯૦ ના દાયકામાં, યુએનએસસીના વિસ્તરણ સામે એક જૂથ બનાવવામાં આવ્યું હતું. યુનાઈટેડ ફોર કન્સેન્સસ, જેને કોફી ક્લબ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમૂહમાં લગભગ ૪૦ દેશો એવા છે જે નથી ઈચ્છતા કે પડોશી દેશો પોતાના હિત માટે સુરક્ષા પરિષદમાં સામેલ થાય.આ દેશોમાં ઈટાલી, સ્પેન, કેનેડા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. ઇટાલી અને સ્પેન સાથે મળીને જર્મનીના કાયમી સભ્યપદનો વિરોધ કરે છે. આર્જેન્ટિના બ્રાઝિલનો વિરોધ કરે છે, ઓસ્ટ્રેલિયા જાપાનનો વિરોધ કરે છે અને પાકિસ્તાન ભારતનો વિરોધ કરે છે.યુએનએસસીમાં વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ ઓછું છે. યુએનએસસીમાં સુધારા અને વિસ્તરણ અંગે ચર્ચાની પ્રક્રિયા વર્ષોથી ચાલી રહી છે.

ભારત યુએનએસસીમાં સુધારા માટે લોબી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. ભારતે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે મળીને આઇબીએસએ જૂથની રચના કરી છે. એ જ રીતે, બ્રાઝિલ, જર્મની અને જાપાન સાથે ય્૪ જોડાણની રચના કરવામાં આવી છે. આ પાંચ દેશો એવા છે જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ ઈચ્છે છે જી ૪ એ તો ત્યાં સુધી કહ્યું છે કે જો કાયમી સભ્યપદ મળ્યા પછી અમારા વીટો પાવર અંગે ચિંતા હોય તો અમે ૧૫ વર્ષ સુધી વીટોનો અધિકાર છોડવા તૈયાર છીએ. વિશ્ર્વની ૧૭% વસ્તી ભારતમાં રહે છે. ૧૪૨ કરોડની વસ્તી સાથે ભારત વિશ્ર્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. યુએનએસસીમાં આટલી મોટી વસ્તીનું પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે.છેલ્લા દાયકામાં ભારતનો સરેરાશ વાર્ષિક વિકાસ દર ૭% થી વધુ રહ્યો છે. ચીન પછી અન્ય કોઈપણ મોટા દેશની સરખામણીમાં આ સૌથી વધુ છે. આ આર્થિક શક્તિને યુએનએસસીમાં અવગણી શકાય નહીં. ભારત એક પરમાણુ શક્તિ છે, પરંતુ તે તેની ઝલક નથી કરતું. જો ભારતને સુરક્ષા પરિષદમાં સામેલ કરવામાં આવે તો તે પરમાણુ નિ:શીકરણ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.