સુરતઃ શહેરના સચિન GIDC વિસ્તારમાં મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયેલા આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતક બાળક જન્મ દિવસના બીજા જ દિવસે મોતને ભેટતાં પરિવાર પર આભ ફાટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિવાર માટે આ બાળકના જન્મદિવસની ઉજવણી જ તેની કાયમી ઉજવણી બની ગઈ હતી. પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી છે અને બાળકનો મૃતદેહ તેના પરિવારને સોંપ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના સચિન GIDC વિસ્તારમાં મુળ ઝારખંડનો પરિવાર રહે છે. મૃતક બાળકના પિતા ધીરજકુમાર લૂમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે દીકરા છે. જેમાં નાના દીકરા નીતેશનો બે દિવસ પહેલાં બર્થ ડે હતો. તેના બર્થ ડેની પરિવારે ધામધૂમથી ઉજવણી કરી હતી. નીતેશ સાંજે તેના મિત્રો સાથે રમવા ગયો હતો અને કંસાડ ગામ પાસે આવેલા તળાવમાં તમામ મિત્રો ન્હાવા પડ્યા હતાં. આ દરમિયાન નીતેશ ડૂબવા લાગતાં તેના મિત્રોએ બૂમાબૂમ કરી હતી.
બૂમો સાંભળીને રેલવેની કામગીરી કરતાં લોકો દોડી આવ્યા હતાં અને નીતેશને પાણીમાંથી બહાર કાઢીને 108ને જાણ કરી હતી. 108એ ઘટના સ્થળે પહોંચીને નીતેશને ચકાસી મૃત જાહેર કર્યો હતો. આ દરમિયાન નીતેશના પરિવારને જાણ થતાં જ તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યાર બાદ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ મામલે સચિન GIDC પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.