જાંબુધોડા,
પંચમહાલ જીલ્લાના જાંબુધોડા તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર એ અરજદાર પાસેથી આવક અને જાતિના દાખલા માટે ૧૦૦ થી ૫૦૦ રૂપીયાની રકમ લાંચમાં માંગતો હોય તેવી ફરિયાદના આધારે વડોદરા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આજરોજ જાતિના દાખલા માટે ૨૦૦ રૂપીયાની માંગણી કરી ૨૦૦ રૂપીયા સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો. જાંબુધોડા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જતાં અન્ય લાંચિયા કર્મચારી અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પંચમહાલ જીલ્લાના જાંબુધોડા તાલુકા મામલતદાર કચેરીમાં આવક તથા જાતિના દાખલા માટે આવતાં અરજદારો પાસેથી ૧૦૦ થી ૫૦૦ રૂપીયાની લાંચ માંગવામાં આવે છે. તેવી માહિતી એસીબી વિભાગ વડોદરાને મળેલ હતી. જેની ખરાઈ કરવા માટે એસીબી શાખા દ્વારા ૨૩ જુનના રોજ અરજદારનો સહકાર મેળવીને લાંચિયા કર્મચારીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જાંબુધોડા મામલતદાર કચેરીમાં આવકના દાખલેા મેળવવા ગયેલ અરજદાર પાસેથી ૨૦૦ રૂપીયાની લાંચ લેતા નાયબ મામલતદાર રાઠવા નવિનભાઈ નારીયાભાઈને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. રાજ્ય સેવકના હોદ્દેદારોનો દુરઉપયોગ કરી ગેરવર્તુણક કરી લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. જાંબુધોડા મામલતદાર કચેરીમાં વડોદરા એસીબી પો.ઈ. એસ.એસ.રાઠોડ અને સ્ટાફ દ્વારા લાંચ લેતા ઝડપી પાડતાં અન્ય લાંચિયા અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.