કોઇ એક સંત બોલે તો એમાં આખો સંપ્રદાય ન આવે, પરંતુ કોઇની લાગણી દુભાય : પોરબંદરના સાંસદ રમેશ ધડુક

સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો મુદ્દો માંડ સંકેલાયો છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. ત્યારે ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જે સમગ્ર બાબતને લઈ ફરી એક વાર સનાતન અને સંપ્રદાય વચ્ચેનો વિવાદ શરૂ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દેવી-દેવતાઓ અને સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરવા મુદ્દે પોરબંદરના સાંસદ રમેશ ધડુકનું નિવેદન સામે આવ્યું છે. 

સાંસદ રમેશ ધડુકે કહ્યું કે, ખરેખર આ મામલે કોઈ ટિપ્પણી કરવાની ન હોય અને ધર્મ છે એ બધાને ખબર છે કે કોણ મોટા છે. મહાદેવ મોટા છે, હનુમાનદાદા મોટા છે કે કૃષ્ણ મોટા છે એ બધાને ખબર છે, એટલે બને ત્યાં સુધી આમાં કોઈ ટિપ્પણી કરવાની ન હોય. બધા ધર્મ પોતાની રીતે પોતાનું કામ કરતા હોય તો આમાં ક્યાંય રાજકારણ લાવવું ન જોઈએ અને આમાં ખોટા વિવાદો ઊભા કરવા ન જોઈએ. 

તેઓએ કહ્યું કે, સ્વામિનારાયણ ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે બધા પોત-પોતાની રીતે ભગવાનની સેવા કરતા હોય, ભગવાનને માનતા હોય પરંતુ આમાં તમે જો રાજકારણ લઈને આવો તો કોઈપણ ધર્મની લાગણી દુભાય. કોઈની લાગણી દુભાય એવા કોઈએ નિવેદન કરવા જોઈએ નહીં. દરેકની લાગણી ધર્મ સાથે જોડાયેલી છે. કોઈ પણ સ્વામીએ દેવી દેવતા પર નિવેદન કરતા પહેલા વિચારવું જોઈએ.

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતા પર કરેલી ટિપ્પણીને લઈને સાંસદ રમેશ ધડુકે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો-સ્વામી અલગ-અલગ છે. હવે એક સંત કે સ્વામી બોલ્યા તો બધા સ્વામિનારયણ સંતો અને સ્વામી તેમાં આવી જતાં નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા એવા હોતા નથી. કોઈ એક બોલે એમાં આખો સંપ્રદાય આવતો નથી. એક સ્વામી ખરાબ બોલે એટલે આખો સંપ્રદાય ખરાબ છે એવું નથી. સ્વામિનારાયણના સંત દ્વારા કરવામાં આવેલા નિવેદનને હું વખોડું છું. 

તેઓએ કહ્યું કે, સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ ભગવાન છે, શ્રી કૃષ્ણથી મોટું કોઈ નથી. હું તો ભગવાન દ્વારકાધીશને માનું છું. સર્વશ્રેષ્ઠ તો કૃષ્ણ ભગવાન છે. સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ જ છે છતાં કોઇની લાગણી દુભાઈ તેવું નિવેદન ન આપવું જોઈએ. ખરેખર આવું નિવેદન દુઃખદ છે આવી ચર્ચા કે વિવાદ ન થવો જોઈએ. કોઈ પણ હરી ભક્તની લાગણી દુભાઈ તેવું કાર્ય ન થવું જોઈએ. અંબાજી કે ખોડીયાર માતાજીને માનતા હોય તે તેની લાગણી છે. કોઈની લાગણી દુભાય એવું નિવેદન ન આપવું જોઈએ.

આપને જણાવી દઈએ કે,  બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોડિયાર માતા અંગે વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ ગાયબ થઈ ગયા છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ મોબાઈલ ફોન પણ બંધ કર્યો છે.