મને ફક્ત ગ્લેમરસ રોલ જ મળતાં હતાં:બોલી, ’મોટા પ્રોડક્શન બેનરે ક્યારે પણ મને કાસ્ટ કરી નથી : શિલ્પા

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ‘સુખી’ ફિલ્મમાં જોવા મળશે. આ દિવસોમાં એક્ટ્રેસ તેની આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમને ક્યારેય તેમના અધિકારો મળ્યા નથી. શિલ્પાએ કહ્યું કે તેમને ક્યારેય મોટા બેનરની ફિલ્મોમાં કાસ્ટ કરવામાં આવી નથી. તેમને માત્રને માત્ર ગ્લેમરસ રોલ જ આપવામાં આવ્યાં હતાં. ​​​​​​એક્ટ્રેસે દાવો કર્યો હતો કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા ફિલ્મ મેકર્સ છે જેમણે તેમના બાકી પૈસા પરત કર્યા નથી.

સિદ્ધાર્થ કાનન સાથે વાતચીત દરમિયાન શિલ્પાએ કહ્યું, ‘મને ક્યારેય એક્ટરનું ટેગ નથી મળ્યું. મને હંમેશા એક્ટ્રેસ તરીકે લોન્ચ કરવામાં આવી છે. મને એક પ્રકારના રોલમાં ટાઇપકાસ્ટ કરવામાં આવી હતી. જો કે, કદાચ તે મારા માટે ફાયદાકારક હતું. હું ગર્વથી કહી શકું છું કે મને જે પણ ઓફર કરવામાં આવી હતી, મેં બેસ્ટ પસંદ કર્યું અને આ ઉદ્યોગમાં ટકી રહી છું.

1994માં આવેલી ફિલ્મ ‘મેં ખિલાડી તુ અનારી’ની સફળતા બાદ શિલ્પા બોલિવૂડની ટોપ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ હતી. જોકે, અભિનેત્રીનું માનવું છે કે તેમને ક્યારેય આવી ફિલ્મો મળી નથી જેમાં તેમને એક્ટિંગને બતાવવાનો મોકો મળ્યો હોય.

શિલ્પાએ વધુમાં જણાવ્યું કે ‘મેં મારી લાંબી કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ક્યારેક હું વિચારતી કે મને મોટો રોલ કેમ ન મળ્યો. શા માટે મને ક્યારેય મોટા બેનરની ફિલ્મોની ઓફર ન થઈ? આજે મારી પાસે જે પણ છે, તે મેં મારા કામ દ્વારા પ્રાપ્ત કર્યું છે. મેં મોટા સ્ટાર્સની ફિલ્મોમાં નાના રોલ કર્યા છે. મારી ફિલ્મો ચાલે કે ન ચાલે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ મારા તમામ ગીતો હિટ થયા હતા. હું મારા ગીતો દ્વારા જ ઈન્ડસ્ટ્રીમાં ટકી શકી છું.’

શિલ્પાએ વધુમાં કહ્યું, ‘મેં ક્યારેય પૈસા માટે કામ કર્યું નથી. 90ના દાયકાની ઘણી એવી ફિલ્મો આવી છે જેમાં મેં કામ કર્યું હતું, પરંતુ મને તેના માટે પૈસા નહોતા મળ્યા. ફિલ્મ મેકર્સ મને કહેતા હતા કે અમારે નુકસાન થયું છે અને બાકીની ફી મને મળી નથી. તે સમય ખરેખર ઘણો અલગ હતો. શિલ્પાની ફિલ્મ સુખી 22 સપ્ટેમબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.’