ધાનપુરની સગીરાને ફોસલાવી ભગાડી દુષ્કર્મ આચરતા આરોપી વિરૂદ્ધ ફરિયાદ

દાહોદ,દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાની એક સગીરા ગત તા. 17મી એપ્રિલ 2020ના રોજ ઘર નજીક કુદરતી હાજતે ગઈ હતી. તે દરમ્યાન જેસર તાલુકાના મહીજીના મુવાડા ગામે રહેતો પ્રવિણ ઉર્ફે ભયલી ગીરવતભાઈ રાઠોડ મોટરસાઈકલ ઉપર આવી સગીરાને પટાવી ફોસલાવી, લાલચ આપી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરતાં પ્રવિણ રાઠોડ વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે પોક્સો તથા દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.

પોલીસની તપાસના અંતે સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા સાથે લીમખેડાની સેશન્સ કોર્ટમાં તબદીલ કર્યો હતો જે કેસ લીમખેડા સેશન્સ કોર્ટના જજ એમ.એ. મિર્ઝાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એસ.બી. ચૌહાણની ધારદાર દલીલોને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપીને દુષ્કર્મમાં 10 વર્ષની સજા તથા 1000નો દંડ જો દંડ નહીં ભરે તો વધુ 03 માસની સજા તથા પોક્સો ગુનામાં 10 વર્ષની સજા તથા 05 હજારનો દંડ જો દંડ નહીં ભરે તો વધુ 06 માસની સજાનો હુકમ ફરમાવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. આ અગાઉ પણ લીમખેડાની કોર્ટ દ્વારા અનેક ઐતિહાસિક ચુકાદાઓ આપવામાં આવ્યાં હતાં અને જેને પગલે આરોપીઓમાં ફફડાટ પણ ફેલાયો હતો.