દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર પોલીસે ગતસાંજે ધાનપુર તાલુકાના વાખસીયા માળ ફળિયામાં રહેતા બુટલેગરના રહેણાંક મકાનમાં ધમધમતા દારૂના અડ્ડા પર ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. 93 હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર વાખસીયા ગામે માળ ફળિયામાં રહેતા બાબુભાઈ રતનાભાઈ ડામોર નામના બુટલેગરના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર વિદેશી દારૂ-બીયરનો મોટો જથ્થો હોવાની બાતમી ધાનપુર પોલીસને મળી હતી. જે બાતમીના આધારે ધાનપુર પોલીસની ટીમ ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ વાખસીયા ગામના માળ ફળિયાના બુટલેગર બાબુભાઈ રતનાભાઈ ડામોરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 93,600ની કુલ કિંમતની વિદેશી દારૂ તથા ટીન બીયર મળી કુલ બોટલ નંગ-864 પકડી પાડી કબજે લીધી હતી. જ્યારે પોલીસની રેડ સમયે બુટલેગર બાબુભાઈ રતનાભાઈ ડામોર ઘરે હાજર ન હોવાથી તે પોલીસ પકડથી દુર રહ્યો હતો.
આ સંબંધે ધાનપુર પોલીસે વાખશીયા ગામના માળ ફળિયામાં રહેતા બુટલેગર બાબુભાઈ રતનાભાઈ ડામોર વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.