મુંબઈના પ્રખ્યાત લાલ બાગચા રાજા માટે આ વર્ષે રુ.૨૬.૫ કરોડનું વીમા કવચ

મુંબઈનો લાલબાગ કા રાજા ગણેશોત્સવ (lalbaugcha raja) વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે તેના આયોજન દરમિયાન કરોડો લોકો તેની મુલાકાત લે છે. આ ગણેશોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે આ વર્ષે 26.54 કરોડ રૂપિયાનો વીમો લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ વીમો ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સમાંથી લેવાયો છે. આ પોલિસીમાં આતંકવાદની ઘટના, આગ, ચોરી, અકસ્માત, ભાગદોડ અને પ્રસાદના પોઇઝનિંગના જોખમ સહિતની બાબતો આવરી લેવામાં આવી છે. વીમાનો સમયગાળો 24 ઓગસ્ટથી 23 ઓક્ટોબર સુધીનો છે.

આગામી 19 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ જશે. હવે ગણતરીના દિવસો બાકી હોવાથી ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકો ગણપતિની મૂર્તિની ખરીદી કરી રહ્યા છે. પંડાલ તૈયાર થઈ રહ્યા છે. મોટાભાગની વિશાળ મૂર્તિઓને 9-10 સપ્ટેમ્બર એટલે કે આ સપ્તાહના અંતે વર્કશોપથી પંડાલોમાં લઈ જવાશે. આ વર્ષે લાલબાગ કા રાજાની મૂર્તિને સ્થળ પર જ બનાવવામાં આવી છે. જેથી તેના આગમનની શોભાયાત્રા નહીં નીકળે.

26.54 કરોડનો વીમો કઈ રીતે ઉપયોગમાં આવશે? – રૂ. 26.54 કરોડના વીમામાં રૂપિયા 12 કરોડનું કવર શ્રદ્ધાળુઓ, ટ્રસ્ટીઓ, રજિસ્ટર્ડ એક્ઝિક્યુટિવ્સ અને સ્વયંસેવકો, રહેવાસીઓ અને સ્ટાફ સહિત સુરક્ષા કર્મચારીઓ અને વોચમેનના વ્યક્તિગત અકસ્માત માટે છે. દુર્ઘટનાની સ્થિતિમાં દરેક પીડિતને 5 લાખ રૂપિયા સુધીની રકમ મળવાપાત્ર છે.

લાલબાગ કા રાજા મંડળનું ઓળખપત્ર આપવામાં આવ્યું હોય, તે તમામ લોકોને પણ વીમા માટે પાત્ર ગણવામાં આવશે. પ્રસાદ દ્વારા ઝેર આપવા સહિતની થર્ડ પાર્ટી લાયબિલિટી માટે 5 કરોડ રૂપિયાની રકમ છે. 2.5 કરોડ રૂપિયામાં સેટ, તમામ મંડપ અને મુખ્ય ગેટને થયેલા નુક્શાનને આવરી લેવાશે. 7.04 કરોડ રૂપિયામાં ગણપતિના ઘરેણાં અને કિંમતી ચીજોને આવરી લેવાશે.

આ વીમા પોલિસી માટે મંડળ દ્વારા રૂપિયા 5.4 લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષની તુલનામાં વીમા કવરેજ થોડું વધારે છે. ગત વર્ષે 5.2 લાખનું પ્રીમિયમ ચૂકવી 25.6 કરોડ રૂપિયાની પોલિસી ખરીદવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, ચિંચપોકલી કા ચિંતામણી માટે તાજેતરમાં ભાયખલામાં શિલ્પકાર વિજય ખાટુના વર્કશોપથી લઈને તેના પંડાલ સુધીની ‘આગમન સોહાલા’ એટલે કે શોભાયાત્રા માટે લગભગ એક લાખ ભાવિકો ઉમટી પડ્યા હતા.

મદદનીશ પોલીસ કમિશનર (એસીપી) કલ્પના ગાડેકરના મત મુજબ, આ શોભાયાત્રા માત્ર મુંબઈ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા છે. તેમના અનુસાર, શોભાયાત્રામાં એક લાખથી સવા લાખ જેટલા ભાવિકો બકરી અડ્ડાથી ચિંચપોકલી સુધી હાજર રહ્યા હતા. તેઓએ કહ્યું છે, કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે મંડળ સાથે ચારથી પાંચ મિટિંગ કરી હતી.

એન.એમ.જોશી માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અરવિંદ ચંદનશીવેએ જણાવ્યું કે, પહેલાં તો આર્થર રોડ જેલની બહાર શરૂઆતના સ્થળે લગભગ 3,000 લોકો જ હતા, પરંતુ ચિંચપોકલી પુલ તરફ જતા ઘણા ભાવિકો એકઠા થઈ ગયા હતા.