
નવીદિલ્હી, ૧૫૨ વર્ષ જૂના રાજદ્રોહ કાયદાને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેસને મોટી બેંચને સોંપવા અંગેના નિર્ણયને ટાળવાની કેન્દ્રની માંગને ફગાવી દીધી છે.
હવે સુપ્રીમ કોર્ટની મોટી બેંચ દેશદ્રોહ કાયદાને પડકારતી અરજી પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા ૧૨૪છ હેઠળ રાજદ્રોહ કાયદાની માન્યતાને પડકારતી અરજીઓને ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચને મોકલી છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે સંસદ પીનલ કોડની જોગવાઈઓને ફરીથી લાગુ કરી રહી છે તે આધારે કેસને મોટી બેંચને સંદભત કરવાના નિર્ણયને ટાળવાની કેન્દ્રની માંગને નકારી કાઢી હતી. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ બેન્ચમાં સામેલ છે.
સુપ્રીમ કોર્ટે તેની રજિસ્ટર્ડ ઓફિસને ચીફ જસ્ટિસ સમક્ષ પેપર્સ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી કરીને બેન્ચની રચના અંગે નિર્ણય લઈ શકાય.
ગયા વર્ષે ૧૧ મેના રોજ આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૧૨૪એને અસ્થાયી રૂપે બિનઅસરકારક બનાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આ કાયદા હેઠળ નવા કેસ નોંધવા જોઈએ નહીં અને જે કેસ પેન્ડિંગ છે તેમાં પણ કોર્ટની કાર્યવાહી અટકાવવી જોઈએ. કોર્ટે કેન્દ્ર સરકારને કાયદાની સમીક્ષા કરવાની પરવાનગી આપી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી સરકાર કાયદાની સમીક્ષા નહીં કરે ત્યાં સુધી આ વચગાળાની વ્યવસ્થા અમલમાં રહેશે. ત્યારબાદ, કેન્દ્ર સરકારે આઇપીસી , કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને ભારતીય પુરાવા અધિનિયમને બદલવા માટે લોક્સભામાં ત્રણ નવા બિલ રજૂ કરીને આ વર્ષે ૧૧ ઓગસ્ટે આ કાયદાઓને બદલવા માટે ઐતિહાસિક પગલું ભર્યું. તે રાજદ્રોહના કાયદાને રદ્દ કરવા અને ગુનાની વ્યાપક વ્યાખ્યા સાથે નવી જોગવાઈઓ લાગુ કરવાની વાત કરે છે.