શ્રીલંકા સામે કેપ્ટન રોહિત શર્માએ ઇતિહાસ રચ્યો વનડે ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કર્યાં

કોલંબો, શ્રીલંકાના કોલંબોના આર કે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રીલંકા સામેની એશિયા કપની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોટી ઉપલબ્ધિ મેળવી છે. રોહિત શર્માએ વનડે ઈન્ટરનેશનલમાં તેના ૧૦,૦૦૦ રન પૂરા કર્યાં છે. રોહિત વનડે ઈન્ટરનેશનલમાં દસ હજાર રન પૂરા કરનાર છઠ્ઠો ભારતીય બેટર છે. રોહિતે કાસુન રાજિથાની બોલ પર સિક્સ ફટકારીને આ ઉપલબ્ધિ હાંસલ કરી. રોહિતે ૨૪૧ ઈનિંગમાં ૧૦,૦૦૦ રન પૂરા કર્યાં છે. સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન પુરા કરવાના મામલે રોહિત કોહલી પછી બીજા નંબરે આવે છે. કોહલીએ ૨૦૫ ઈનિંગમાં ૧૦ હજાર રન પૂરા કર્યાં છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર ત્રીજા નંબરે છે સચિન ૨૫૯ ઈનિંગમાં ૧૦,૦૦૦ રન પૂરા કર્યાં હતા.

વનડેમાં ૧૦ હજાર રન બનાવનાર ભારતીય બેટર : ૧૮૪૨૬- સચિન તેંડુલકર,૧૩૦૨૪- વિરાટ કોહલી,૧૧૩૬૩- સૌરવ ગાંગુલી,૧૦૮૮૯- રાહુલ દ્રવિડ,૧૦૭૭૩- મહેન્દ્ર સિંહ ધોની,૧૦૦૦૦- રોહિત શર્મા

એ યાદ રહે કે ગઈ કાલે ભારતે પાકિસ્તાન સામે ૨૨૮ રને જીત મેળવી હતી. આવી સ્થિતિમાં તેનું મનોબળ ઘણું ઉંચુ છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ ભારતના પ્લેઈંગ-૧૧માં અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ભારત આ મેચમાં ત્રણ સ્પિન બોલર કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સાથે ઉતરી રહ્યું છે. બીસીસીઆઈએ કહ્યું કે શ્રેયર અય્યરની તબિયત સારી છે પરંતુ હજુ સુધી તે પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સારો થયો નથી. બીસીસીઆઈ મેડિકલ ટીમ દ્વારા તેને આરામની સલાહ અપાઈ છે અને તે આજે શ્રીલંકા સામેની ભારતની સુપર-૪ મેચમાં સ્ટેડિયમમાં હાજર નહીં રહે.