
પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ફેન્સ 11 સપ્ટેમ્બરનો દિવસ ક્યારેય યાદ રાખવા માંગશે નહીં. ઘૂરંધર બેટર બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમ એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં સોમવારે ભારત સામે ખરાબ રીતે હારી ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે મોટું પગલું ભર્યું છે.
ભારતીય ટીમે ઈતિહાસ રચતા પાકિસ્તાનને એશિયા કપના સુપર 4 રાઉન્ડની મેચમાં 228 રનના વિશાળ અંતરથી હરાવી દીધું. વનડેમાં ભારતની આ રનની રીતે જોઈએ તો પાકિસ્તાન સામે સૌથી મોટા અંતરથી જીત છે. ભારતે રિઝર્વ ડેવાળા દિવસ સુધી ખેંચાયેલી આ મેચમાં વિરાટ કોહલી અને કે એલ રાહુલની સદીના દમ પર 2 વિકેટ ગુમાવીને 356 રનનો વિશાળ સ્કોર કર્યો. ત્યારબાદ પાકિસ્તાનનો દાવ 32 ઓવરમાં માત્ર 128 રન પર સમેટાઈ ગયો.
હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટું પગલું ભરતા ખેલાડીઓને કવર તરીકે ટીમ સાથે જોડ્યા છે. હકીકતમાં હારિસ રઉફ ભારત વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેણે રિઝર્વ ડેના દિવસે બોલિંગ કરી નહીં. જ્યારે નસીમ શાહ પણ બેટિંગમાં ઉતર્યો નહીં. આવામાં પાકિસ્તાને શાહનવાઝ દહાની અને જમાન ખાનને કવર તરીકે શ્રીલંકા બોલાવ્યા છે.
ભારતીય બેટ્સમેનોએ એશિયા કપના સુપર 4 રાઉન્ડની મેચમાં પાકિસ્તાનના બોલર્સને ધોઈ નાખ્યા. શાહીન શાહ આફ્રીદીએ 10 ઓરમાં 79 રન આપ્યા અને માત્ર એક વિકેટ લીધી. નસીમ શાહને તો કોઈ વિકેટ ન મળી અને 9.2 ઓવરમાં 52 રન આપી દીધા. ફહીમ અશરફ પણ ખુબ મોંઘો સાબિત થયો જેણે 72 રન આપ્યા અને કોઈ વિકેટ મળી નહીં. હારિસે માત્ર 5 ઓવર ફેંકી અને 27 રન આપ્યા. શાદાબ ખાને એક વિકેટ લેવા માટે 71 રન આપ્યા. ઈફ્તિખાર અહેમદે પણ 5.4 ઓવરમાં 52 રન આપ્યા પણ કોઈ વિકેટ મળી નહીં.