
અમદાવાદ,ભગવાન ભોળાનાથનો અતિપ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયા હતાં ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શનાર્થે લાઇનો લગાવી દીધી હતી.
ગીર સોમનાથ ખાતે આવેલા વિશ્ર્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના દ્વાર વહેલી સવારે ૪:૦૦ વાગ્યે જ ખોલી દેવામાં આવ્યા હતાં સોમનાથ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી ક્તારો જોવા મળી હતી. જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યું હતું આજે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આજરોજ શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી મંદિરમાં પાલખી યાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજન કરવામાં આવ્યા હતાં.
અમદાવાદ શહેરના નિર્ણયનગરમાં આવેલા સોમેશ્ર્વર મહાદેવમાં પણ શિવ ભકતોની લાઇનો જોવા મળી હતી.આ ઉપરાંત નાના મોટા શિવાલયોમાં દિવસ દરમિયાન પુજા અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતાં.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને પણ આ મહિનો ખૂબ જ પ્રિય છે. ભોલેનાથને સોમવાર ખૂબ જ પ્રિય છે. તેથી શ્રાવણમાં સોમવારનું મહત્વ વધુ વધી જાય છે. એવી માન્યતા છે કે શ્રાવણમાં આવતા સોમવારે વ્રત રાખવાથી, પૂજા વગેરે કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે ભગવાન શિવને બેલિના પાન, ભાંગ, ધતુરા અને જળ ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે.
દરમિયાન ભાવનગર શહેરમાં આવેલ વિવિધ શિવ મંદિરો ખાતે શ્રાવણ માસના ચોથા સોમવારે ભાવિકો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.
દેવાધિ દેવ મહાદેવની ભક્તિ-ઉપાસનાનો અનોખો માસ એટલે શ્રાવણ માસ. આ શ્રાવણ માસમાં શહેર-જિલ્લામાં આવેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠે છે. દર વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણ માસનાં આગમન સાથે ભાવેણું જાણે શિવમય બની જાય છે. હજારો શિવભક્તો ભોળા ભાવે ભગવાન ભોળાનાથને ભજી પોતાની જાતને ધન્ય કરે છે. આજરોજ પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે મહાદેવના મંદિરો ખાતે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.