વડાપ્રધાન મોદીએ ખુદ જો બાયડનને મુખ્યમંત્રીઓનો પરિચય કરાવ્યો

જી-20 સમિટ આજે વિધિસર રીતે સંપન્ન થયું હતું.  શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એક ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો જાહેર કરી છે, જેમાં તેઓ મુખ્યમંત્રીનો પરિચય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે કરાવતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાની, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પણ જોવા મળી રહ્યા છે. જી20 સંમેલનની પૂર્ણોહૂતિના પ્રસંગે વર્લ્ડ નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યાં હતા અને એકબીજા સાથે વાતો અને પરિચત કરતાં જોવા મળ્યાં હતા. 

એક તસવીરમાં વડાપ્રધાન મોદી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઝારખંડના સીએમ હેમંત સોરેનનો પરિચય આપતા નજરે પડે છે. એક તસવીરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પણ જોવા મળી રહ્યા છે. સુખુ કોંગ્રેસ શાસિત રાજ્યોના એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમણે રાષ્ટ્રપતિ પદના ડિનરમાં ભાગ લીધો છે.

વડાપ્રધાન મોદીએ રવિવારે સવારે રાજઘાટ પર જી20 નેતાઓનું સ્વાગત કર્યું, જ્યાં તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હીમાં ભારે વરસાદની વચ્ચે નેતાઓએ રાજઘાટની મુલાકાત લીધી હતી.  સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જીવા, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને સિંગાપોરના વડા પ્રધાન લી સિયાન લૂંગ રાજઘાટ પહોંચનારા પ્રથમ નેતાઓમાં સામેલ હતા. પીએમ મોદીએ ‘અંગરાખા’ પહેરીને જી-20 નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ‘બાપુ કુટી’નું ચિત્ર જોવા મળ્યું હતું. મહારાષ્ટ્રના વર્ધા નજીક સેવાગ્રામ આશ્રમમાં સ્થિત ‘બાપુ કુટી’ 1936થી 1948માં મૃત્યુ સુધી ગાંધીજીનું નિવાસ સ્થાન હતું. વડાપ્રધાન જી-20 નેતાઓને ‘બાપુ કુટી’નું મહત્વ સમજાવતા જોવા મળ્યા હતા. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જી-20ના નેતાઓ લીડર્સ લાઉન્જમાં ‘પીસ વોલ’ પર પણ હસ્તાક્ષર કર્યાં હતા.