જૂનાગઢમાં મુસ્લિમોને જાહેરમાં માર મારવાના કેસમાં હાઇકાર્ટેે સુનાવણી નક્કી કરી

જૂનાગઢ, જૂનાગઢ પોલીસ દ્વારા મુસ્લિમોનું કસ્ટોડિયલ ટોર્ચર કરાતું હોવાના અને જાહેરમાં તેમને માર મારવાની ઘટનામાં થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસની સુનાવણી ૧૩મી સપ્ટેમ્બરના રોજ કરવાનો હાઇકોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા કોર્ટ સમક્ષ પોતાનો કોઇ પક્ષ મૂકવામાં નહીં આવતાં હાઇકોર્ટે સુનાવણી નક્કી કરી છે.

પ્રસ્તુત મામલે નાગરિક સંગઠનો લોક અધિકાર સંઘ અને માઇનોરિટી કો-ઓડનેશન કમિટી ઓફ ગુજરાત દ્વારા એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ પોલીસ દ્વારા થતાં કસ્ટોડિયલ ટોર્ચર અંગે ફરિયાદ કરવામાં આવી છે. તે ઉપરાંત ૧૬મી જૂનના રોજ જૂનાગઢના પાંચ મુસ્લિમ ધર્મસ્થળોના ડિમોલિશન માટે પાઠવવામાં આવેલી નોટિસનો વિરોધ કરી રહેલી વ્યક્તિઓને જાહેરમાં પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

રિટમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૬મી જૂનના રોજ જૂનાગઢ પોલીસે આઠથી ૧૦ મુસ્લિમોની અટકાયત કરી હતી અને તેમને મજેવડી ગેટ ખાતે આવેલી ગેબન શાહ મસ્જિદ સામે ઊભા રાખીને અમાનુષિક રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ પ્રકારે લઘુમતી કોમની વ્યક્તિઓને કોઇ પણ કાયદાની પ્રક્રિયાનો અમલ કર્યા સિવાય અથવા તો કોઇ પણ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા ન હોય તેમ છતાંય જાહેરમાં ક્રૂરતાપૂર્વક મારવાની બાબત માનવીય અધિકારોનો ભંગ છે. પોલીસ વિભાગ કે જે કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરે છે, તેણે ખુદ જ કાયદાનું હનન કર્યું છે.

રિટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, છ સગીરોને પણ અટકમાં લેવામાં આવ્યા હતા અને તેમણે લેખિતમાં કસ્ટોડિયલ વાયોલન્સ અને ટોર્ચરની ફરિયાદ કરી હતી, પરંતુ આ ફરિયાદ પરત ખેંચી લેવાની ફરજ પાડવામાં આવી હતી. એવી જ રીતે અન્ય છ શખ્સોએ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ કરી હતી. રિટમાં રજૂઆત કરાઇ છે કે,’આરોપીઓને જેલમાં લઇ જવામાં આવ્યા હતા અને જૂનાગઢ પોલીસે એક અરજી તૈયાર કરી હતી. જે આરોપીઓએ કસ્ટોડિયલ ટોર્ચર અને અત્યાચારની ફરિયાદ કરી હતી તેમને આ અરજીઓ પર દબાણપૂર્વક સહી કરાવીને તેમની ફરિયાદ પરત ખેંચી લેવાઇ હતી.’

પિટિશનમાં એવી દાદ માગવામાં આવી છે કે, હાઇકોર્ટે જૂનાગઢના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ અથવા સિનિયર જ્યુડિશિયલ ઓફિસરને કસ્ટોડિયલ ટોર્ચરની તપાસ કરવામાં આદેશ આપે. તે ઉપરાંત આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેઓ જૂનાગઢના ન હોય તેમની એક ટીમ બનાવીને તપાસ કરાવવામાં આવે અને એક રિપોર્ટ મગાવવામાં આવે.’