વર્લ્ડકપમાં સિલેક્શન ન થતા ટીમ ઇન્ડિયાના ખેલાડીએ વિદેશી ટીમ સાથે કરાર કર્યો

ODI વર્લ્ડ કપ – 2023 આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમવાનો છે. આ માટે સિનિયર સિલેક્શન કમિટીએ ભારતીય ટીમની જાહેરાત કરી છે. ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન વિસ્ફોટક ઓપનર રોહિત શર્મા સંભાળશે. આ દરમિયાન વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા એક ખેલાડીએ વિદેશી ટીમ સાથે કરાર કર્યો છે. 

આ દરમિયાન એક ભારતીય ખેલાડીએ વિદેશમાં જઈને રમવાનું નક્કી કર્યું છે. આ ખેલાડી છે કરુણ નાયર. કરુણ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ન તો એશિયા કપ અને ન તો વર્લ્ડ કપનો ભાગ બનાવવામાં આવ્યો છે. ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર આ શક્તિશાળી બેટ્સમેને વર્તમાન સિઝનમાં કાઉન્ટી ચેમ્પિયનશિપની બાકીની 3 મેચ રમવાનું નક્કી કર્યું છે. 

ભારતીય બેટ્સમેન કરુણ નાયરે ચાલુ કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023 માટે નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે કરાર કર્યો છે. વાત એમ છે કે સેમ વ્હાઇટમેન ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે કરુણ નાયરને કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023ની છેલ્લી ત્રણ મેચો માટે કરાર કર્યા છે. 31 વર્ષીય ભારતીય બેટ્સમેન 8 સપ્ટેમ્બરે યુકે પહોંચ્યો હતો અને 10 સપ્ટેમ્બરથી વોરવિકશાયર સામે શરૂ થનારી કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ પહેલા નોર્થમ્પટનશાયરની ટીમમાં જોડાશે. નોંધનીય છે કે નાયરે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે પરંતુ હાલમાં તે ટીમ ઈન્ડિયાની બહાર છે.

ભારત માટે છ ટેસ્ટ રમનાર અને 85 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 5922 રન બનાવનાર કરુણ નાયરનો ઉમેરો સંઘર્ષ કરી રહેલી નોર્થમ્પટનશાયરની બેટિંગ લાઇન અપને વધુ મજબૂત કરશે. મહત્વનું છે કે નોર્થમ્પટનશાયર કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023ના ડિવિઝન વનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

કરુણ નાયરે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું: “હું નોર્થમ્પટનશાયર ટીમમાં જોડાવા અને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવા માટે ખૂબ ઉત્સુક છું. અમે બધાએ કાઉન્ટી ક્રિકેટ વિશે ઘણું સાંભળ્યું છે, અને હું જાણું છું કે પૃથ્વી શૉએ અહીં સારો સમય પસાર કર્યો છે, તેથી કાઉન્ટી ક્રિકેટ રમવાની તક મળવી એ મારા માટે અત્યંત રોમાંચક છે. આશા છે કે હું નોર્થમ્પટનશાયરને મારી બેટિંગથી કેટલીક મેચો જીતવામાં મદદ કરી શકું અને જો હું અહીં સારું પ્રદર્શન કરી શકું તો તે મારા માટે ખૂબ જ મોટી વાત હશે. હું ટીમને આ છેલ્લી ત્રણ મેચ જીતવામાં મદદ કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ પણ રમશે. મુખ્ય ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો 8 ઓક્ટોબરના રોજ થશે, જ્યારે તેને ઓસ્ટ્રેલિયાના આકરા પડકારનો સામનો કરવો પડશે. હાલ ભારતીય ટીમ એશિયા કપમાં વ્યસ્ત છે. તે સુપર-4માં પ્રવેશી ચૂક્યો છે અને રવિવારે 10 સપ્ટેમ્બરે તેનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.