અંબાલામાં સૈનિકનું મોત:પત્નીને મેસેજ મોકલ્યો- તમારા પતિને ખુદા પાસે મોકલ્યો છે, પાકિસ્તાન ઝિંદાબાદ, આર્મીને જે કરવું એ કરી લે…

હરિયાણાના અંબાલા કેન્ટમાંથી ગુમ થયેલા આર્મી લાન્સ હવાલદાર પવન શંકરનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. મૃતદેહ કેન્ટ રેલવે સ્ટેશનથી મોહડા વચ્ચેના ટ્રેક પર પડેલો હતો. લાશની રિકવરી બાદ લાન્સ હવાલદારની પત્નીના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ આવતાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં લખ્યું હતું કે તમારા પતિને ખુદા પાસે મોકલ્યો છે, પાકિસ્તાન ઝિંદાબાદ.

આ મેસેજ બાદ પોલીસની સાથે મિલિટરી પોલીસ અને આર્મી ઈન્ટેલિજન્સ પણ એલર્ટ થઈ ગયા છે. સૈનિકના પોસ્ટમોર્ટમ પહેલા જ સેનાની ટીમ અંબાલાની હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. હાલમાં ત્યાં કોઈપણ પ્રકારની વિડિયોગ્રાફી કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. અંબાલા પહોંચેલા એક સૈન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે. કંઈપણ કહેવું યોગ્ય નથી.

પવન શંકર મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી હતો. તેમનું ગામ ભોગનીપુરના કૈલાઈ ગામમાં છે. જે છેલ્લા 3 વર્ષથી અંબાલા કેન્ટમાં પોસ્ટેડ હતો. આ પછી પોલીસે જવાન વિશે માહિતી મેળવવા માટે કાનપુરમાં પણ સંપર્ક કર્યો છે. પોલીસની સાથે સેના પણ આ મામલે તમામ પ્રકારના એંગલ પર કામ કરી રહી છે.

પવન શંકર અંબાલામાં આર્મીના 40 એડી યુનિટમાં તૈનાત હતા. પવન શંકરના જે મોબાઈલ પરથી તેની પત્નીને મેસેજ મોકલવામાં આવ્યો હતો તેનો હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી.

હવાલદાર પવન શંકર 6 સપ્ટેમ્બરના રોજ સાંજે 7.50 વાગ્યાથી ગુમ હતા. પડાવ પોલીસ સ્ટેશને લાન્સ હવાલદારના યુનિટના સુબેદારની ફરિયાદ પર ગુમ થવાનો કેસ નોંધ્યો હતો. બુધવારે રાત્રે 11.39 કલાકે પવન શંકરના નંબર પરથી તેની પત્નીને મેસેજ આવ્યો.

આ પછી, પવનના વોટ્સએપ પર લાસ્ટ સીન રાત્રે 11.42 વાગ્યે દેખાયું. પવન શંકરનો મૃતદેહ બીજા દિવસે ટ્રેનના પાટા નજીકથી મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, જવાન પવન શંકરના શરીર પર ઈજાના ઘણા નિશાન પણ મળી આવ્યા છે. જોકે આ મામલે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પડાવ પોલીસ મથકે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. આજે, ડોકટરોની પેનલ સિવિલ હોસ્પિટલ, અંબાલા કેન્ટમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે.

જીઆરપીના તપાસ અધિકારી પ્રદીપ કુમારે કહ્યું- “ગુરુવારે સાંજે 7 વાગ્યે રેલવે તરફથી અમને માહિતી મળી હતી. શાહપુર ગામ પાસે રેલવે ટ્રેક પર લાશ પડી હોવાનું જણાવાયું હતું. પ્રાથમિક તપાસમાં આ આકસ્મિક લાશ હોવાનું જણાયું હતું. કાર્યવાહી બાદ અમે મૃતદેહને ત્યાંથી લાવ્યા. તે જ સમયે સેનાના કેટલાક જવાનો કોઈને શોધતા આવ્યા. તેમણે કહ્યું કે અમારો એક સૈનિક ગુમ છે. તેમણે લાશ જોઈ અને પુષ્ટિ કરી કે તે એ જ સૈનિક હતો. આ અંગે પડાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. તપાસ દરમિયાન અમને ખબર પડી કે પત્નીને મેસેજ આવ્યો છે. અમે આને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. હાલ મોતના કારણ અંગે કંઈ કહી શકાય તેમ નથી.