નવીદિલ્હી, ભારત અને ઈન્ડિયા નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચેલેન્જ કરતા કહ્યું કે જો બીજેપી કે પ્રધાનમંત્રીમાં હિમ્મત હોય તો તે આ દેશનું નામ બદલીને બતાવે, સંવિધાનમાં સંસોધન કરવું એટલુ સહેલું નથી. હું જોઉં છું કે આની સાથે કોણ આવે છે.
ઓમર અબ્દુલ્લાએ આગળ કહ્યું હતું કે શું તેમની પાસે સંસદમાં બે તૃતીયાંશ બહુમત છે? અને જો છે તો નામ બદલીને બતાવે. દેશનું નામ બદલવું કોઈ મામુલી વાત નથી. જો કોઈનામાં તાકાત હોય તો તે દેખાડે અમે પણ જોઈએ કે કોણ આ મામલે તમને મદદ કરે છે. જ્યાં સુધી સંવિધાનની વાત છે તો તેમાં શરુઆતમાં જ લખ્યું છે કે ઈન્ડિયા ધેટ ઈઝ ભારત જે રાજ્યોનું સંઘ છે.
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂની તરફથી જી-૨૦ માટે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવા પર વિવાદ ઉભો થયો હતો. વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના નામમાંથી ઈન્ડિયા હટાવીને ભારત બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ પહેલા રાષ્ટ્રીય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ લોકોને અપીલ કરી હતી કે લોકોએ ઈન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.