દીપક ગુપ્તાને કોટક મહિન્દ્રા બેન્કની જવાબદારી મળી, ૨ મહિના માટે એમડી સીઇઓ બનાવાયા

દેશની પ્રાઈવેટ ક્ષેત્રની ચોથી સૌથી મોટી બેંક કોટક મહિન્દ્રાને નવા MD મળી ગયા છે. RBIએ દીપક ગુપ્તાને બેંકના નવા MD અને CEO બનાવ્યા છે. જો કે આ નિમણૂક વચગાળાની છે અને ફક્ત બે મહીના માટે જ દીપક ગુપ્તાને કાર્યભાર આપ્યો છે. આ અગાઉ મહિનાની શરુઆતમાં ઉદય કોટકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

કોટક મહિન્દ્રા બેંક દ્વારા તેમની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે RBIએ બે મહિના માટે દીપક ગુપ્તાની નિમણૂક કરી છે જે 2 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે. આ પહેલા પહેલી સપ્ટેમ્બરના રોજ ઉદય કોટકે તેમનો કાર્યકાળ પુરો થવાના ચાર મહિના પહેલા જ MD અને CEO પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2023ના રોજ પુરો થવાનો હતો.

દીપક ગુપ્તાને બેંકિગ સેક્ટરમાં ખુબ જ બહોળો અનુભવ છે અને તે કોટક બેંકની સાથે એસોસિએટ તરીકે 1999થી જોડાયેલા છે. ત્યારે તેમણે કોટક મહિન્દ્રા ફાઈનાન્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે જોઈન કર્યું હતું. તેમણે કોટક રિટેલ બિઝનેસને આગળ વધારવા માટે વર્ષ 2003માં કોટકને લાઈસન્સ અપાવવા માટે પણ મહત્વની ભુમિકા ભજવી હતી. કોટક સમુહને જોઈન કર્યા પહેલા દીપક ગુપ્તાએ એએફ ફર્ગ્યુસનમાં કંન્સલ્ટન્સી ડિવિઝન તરીકે કામ કર્યું હતું. આટલું જ નહીં પણ ગુપ્તા પાસે બેંકના આઈટી સેક્ટરની જવાબદારીની સાથે, સાઈબર સિક્યોરિટી, કસ્ટમર એક્સપિરિયન્સ અને બિઝનેસ ઈન્ટેલિજેન્સ જેવા કામ માટે પણ જવાબદાર છે. દીપક ગુપ્તાએ વર્ષ 1983માં બનારસ વિશ્વ હિંદુ વિશ્વવિધ્યાલયથી ઈલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યું હતું. તેના બાદ વર્ષ 1985માં IIM અમદાવાદથી મેનેજમેન્ટમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.