મુંબઇ, રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના પૂર્વ ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૮માં સરકારમાં બેઠેલો કેટલાંક લોકો ૨૦૧૯ની ચૂંટણી પહેલાં લોકોને લોભામણી લાલચ આપવા માટે આરબીઆઇમાંથી ૩ લાખ કરોડ ઉપાડવા માંગતા હતા, પરંતુ આરબીઆઇ તરફથી તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.
વિરલ આચાર્ય તેમના પુસ્તકમાં લખ્યું છે કે ૨૦૧૯ની ચૂંટણી માટે સરકાર આરબીઆઇના ૩ લાખ કરોડનો ઉપયોગ કરવા માંગતી હતી, પરંતુ વિરોધને કારણે એ શક્ય બન્યું નહોતું અને એ પછી આરબીઆઇ અને સરકાર વચ્ચે મતભેદો વધી ગયા હતા.
તે સમયે સરકારે આરબીઆઇને સૂચના જારી કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) એક્ટની કલમ ૭નો ઉપયોગ કરવાની ચેતવણી પણ આપી હતી. આ મામલો સૌપ્રથમ આરબીઆઇના તત્કાલિન ડેપ્યુટી ગવર્નર આચાર્યે ૨૬ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ એક લેક્ચરમાં ઉઠાવ્યો હતો. હવે આ એપિસોડને તેમના પુસ્તક ’ક્વેસ્ટ ફોર રિસ્ટોરિંગ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઈન ઈન્ડિયા’ના નવા પ્રસ્તાવનામાં પણ મુખ્ય રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે. આમાં, સરકારના પ્રયાસોને કેન્દ્ર દ્વારા રાજકોષીય ખાધના પાછલા દરવાજેથી નાણાબંધી તરીકે વર્ણવવામાં આવ્યો છે.
આચાર્યએ વર્ષ ૨૦૨૦માં પહેલીવાર પ્રકાશિત પોતાના પુસ્તકના નવા સંસ્કરણની પ્રસ્તાવનામાં કહ્યું કે નોકર શાહ અને સરકારમાં બેઠેલો લોકો અગાઉની સરકારોના કાર્યકાળમાં આરબીઆઇમાં જમા થયેલી મોટી રકમને વર્તમાન સરકારના ખાતામાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી હતી.
આરબીઆઇ દર વર્ષે પોતાનો નફો પુરેપુરો સરકારને આપવાને બદલે તેમાંનો કેટલોક હિસ્સો અલગ રાખે છે. આ હિસ્સો વર્ષો જતા મોટી રકમમાં બદલાઇ જાય છે. આચાર્યએ કહ્યુ કે ૨૦૧૬ની નોટબંધી પહેલાના ૩ વર્ષોમાં આરબીઆઇએ સરકારને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. પરંતુ નોટબંધીના વર્ષોમાં ચલણી નોટના પ્રિન્ટીંગ પાછળનો ખર્ચ વધવાને કારણે સરકારને ટ્રાન્સફરની રકમમાં ઘટાડો થયો હતો. એવી સ્થિતિમાં ૨૦૧૯માં ચૂંટણી પહેલા સરકારે પોતાની ડિમાન્ડ વધારી દીધી હતી, કારણકે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને ચૂકી જવાથી રાજકોષીય ખાધ વધી હતી.
તેમણે સરકારના ઇરાદા પર નિશાન સાધીને કહ્યુ છે કે જ્યારે કેન્દ્ર બેંક પાસે આટલી મોટી રકમ પડી છે તો પછી ચૂંટણી ખર્ચ પર કાપ મુકવાની શું જરૂર છે. વિરલ આચાર્ય RBI ના ડેપ્યુટી ગર્વનર પદે હતા અને તેમણે પોતાના કાર્યકાળ પુરો થવાના ૬ મહિના પહેલા ૨૦૧૯માં રાજીનામું આપી દીધું હતું.