રાજકોટ: જસદણ હાઇવે પર આવેલા સરદારથી ભુપગઢ તરફ જતા રસ્તે ગત છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં 2 બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં 5 જેટલા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બંને બાઈકના ચાલક વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 304 એ, 337, 338, 279 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે જયંતી મકવાણા (ઉવ.60) નામના વ્યક્તિએ દિલીપસિંહ ભુરીયા નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ફરિયાદીના દીકરા દેવગણ મકવાણા તેમજ રાજેશ રાઠોડ લીલી સાજડીયાળી ગામ ખાતે સરધાર તરફથી પરત આવી રહ્યા હતા. જે દરમિયાન દિલીપસિંહ ભુરીયા નામના મોટરસાયકલ ચાલકે ફરિયાદીના દીકરાના મોટરસાયકલ સાથે પોતાનું મોટરસાયકલ અથડાવી માથા સહિતના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા દેવગણ મકવાણા (ઉવ.22) અને રાજેશ રાઠોડ (ઉવ.22)ને મરણ ગયેલ જાહેર કર્યા હતા. જેના કારણે તમામ મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે સુરેશ ભુરીયા નામના વ્યક્તિએ દેવગણ મકવાણા નામના મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, આરોપી દ્વારા ફરિયાદીના ભાઈ દિલીપ ભુરીયા (ઉવ.25) પોતાના મોટરસાયકલમાં દિનેશ રાઠોડ (ઉવ.36) અને અર્જુન મેડા (ઉવ.18)ને બેસાડી સરધાર તરફ જતો હતો.
ત્યારે દેવગણ મકવાણા દ્વારા પોતાનું મોટરસાયકલ ફરિયાદીના ભાઈના મોટરસાયકલ સાથે અથડાવી માથા, આંખ તેમજ શરીરના અન્ય ભાગે ઇજા પહોંચાડી હતી. દરમિયાન સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણેયને ખસેડવામાં આવતા હોસ્પિટલ ખાતે મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવમાં સામેલ તમામ વ્યક્તિઓ મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે.