સુરત: રાજ્યમાં ફરીથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. ત્યારે આજે એટલે 8 સપ્ટેમ્બરના રોજ સવારે આઠ વાગ્યા સુધીમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો છે. સુરતના વરસાદનો એક વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શહેરમાં નવા બનેલા થ્રી લેયર બ્રિજ પર પાણી ભરાઇ ગયા હોવાના દ્રશ્યોથી ચર્ચાનું બજાર ગરમાયું છે. કરોડાના ખર્ચે બનેલા આ બ્રિજ પર પાણી ભરાઇ જવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
શહેરમાં થોડા વરસાદ બાદ પણ રોડ રસ્તોઓ પર પાણી ભરાઇ જવાના સમાચાર આપણે અનેકવાર જોયા છે. ત્યારે 133 કરોડથી વધુના ખર્ચે બનેલા થ્રી લેયર બ્રિજ પર પણ સામાન્ય વરસાદથી પાણી ભરાઇ ગયાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ વરસાદ પડતા બ્રિજ પર પાણી ભરાયા હતા. બ્રિજ પર પાણી ભરાવવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે, આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 24 કલાકમાં સુરત શહેરમાં માત્ર 16 એમએમ વરસાદ નોંધાયો છે.
આ બ્રિજ દેશના સૌથી પહેલો થ્રી લેયર બ્રિજ છે. આ બ્રિજને બનાવવા પાછળ 133.50 કરોડનો ખર્ચ થયો છે. શહેરમાંથી નેશનલ હાઇવે તરફ જવા માટેનો મુખ્ય માર્ગ સુરત-કડોદરા રોડ પર પણ આ જંકશન થઈને જ જવાનું રહેતુ હોય અને સુરત–કડોદરા રોડ પર પણ બોમ્બે માર્કેટ જેવી અન્ય માર્કેટ બનતા ફરી ટ્રાફિકની સમસ્યા વધી હતી. જેથી પાલિકાએ મલ્ટી લેવલ રેલ્વે ઓવરબ્રિજ- ફ્લાય ઓવરબ્રિજનું પ્લાનિંગ કર્યું હતું. અને 133 કરોડના ખર્ચે સહારા દરવાજા મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ બનાવ્યો છે.
આજ સવારથી ચાર કલાકના વરસાદની વાત કરીએ તો, ચાર કલાકમાં 53 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. આંકડા પ્રમાણે, સુરતના માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે કપરાડા અને ધરમપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદ શહેરમાં એક ઈંચ વરસાદ પડ્યો છે અને વાલિયા અને આંકલાવમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.