વિશ્ર્વની નંબર-૧ વનડે ટીમ પાકિસ્તાન માટે વિશ્ર્વકપ જીતવાની સુવર્ણ તક છે, : શોએબ અખ્તર

નવીદિલ્હી, વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ વનડે વિશ્ર્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત ૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં કરશે. ૨૦૨૩ વિશ્ર્વકપના ૧ મહિના પહેલા તેના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે પોતાની યજમાનીમાં રમવા અને મીડિયાની હેડલાઇનમાં રહેવાને કારણે આગામી વિશ્ર્વકપમાં ભારતીય ટીમ ખુબ દબાવમાં હશે.

શોએબ અખ્તરે કહ્યું કે વિશ્ર્વની નંબર-૧ વનડે ટીમ પાકિસ્તાન માટે આ ખિતાબ જીતવાની સુવર્ણ તક છે, જે ગંભીર આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા દેશવાસીઓને ખુશ થવાની તક આપશે. ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતે આઈસીસીનો કોઈ ખિતાબ જીત્યો નથી. શોએબે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ’પાકિસ્તાન ભારતમાં સંપૂર્ણપણે એકલું થઈ જશે. તેના પર કોઈ દબાણ રહેશે નહીં. ભારત પર પોતાના ઘરના દર્શકોની સામે રમવાનું દબાણ રહેશે. અમે વધુ સારું પ્રદર્શન કરીશું.

શોએબ અખ્તરે કહ્યું, ’તમામ સ્ટેડિયમ ભરાઈ જશે અને બે અબજથી વધુ લોકો તેને ટીવી અથવા સોશિયલ મીડિયા પર જોશે. ભારતીય મીડિયા પણ પાકિસ્તાન પર ઘણું દબાણ કરશે. તેઓ તેને મહાભારત જેવું બનાવશે. તેઓ પહેલા જ ભારતને વિજયી જાહેર કરી ચૂક્યા છે. મેચ પહેલા આ પ્રકારનું બિનજરૂરી દબાણ રહેશે. જેના કારણે ભારતીય ટીમ પર ઘણું દબાણ રહેશે. ભારત અને પાકિસ્તાન ૧૪ ઓક્ટોબરે અમદાવાદમાં વર્લ્ડ કપમાં ટકરાશે. આ પહેલા, બંને ટીમો ૧૦ સપ્ટેમ્બર, રવિવારે એશિયા કપની સુપર ફોર મેચમાં રમશે અને ૧૭ સપ્ટેમ્બરે ફાઇનલમાં પણ ટકરાઈ શકે છે. શોએબ અખ્તરે કહ્યું કે વર્લ્ડ કપના એક મહિના પહેલા પણ ભારતીય ટીમ કોમ્બિનેશનમાં હજુ કોઈ સ્થિરતા નથી.

શોએબ અખ્તરે કહ્યુ- છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમ પોતાની પ્લેઇંગ ૧૧ નક્કી કરી શકી નથી. તમારો ચોથા ક્રમનો બેટર નક્કી નથી. વિરાટ ક્યા નંબરે રમશે ત્રીજા, ચોથા કે પાંચમાં. ઈશાન કિશન ગમે ત્યાં રમી શકે છે. અખ્તરે યુઝવેન્દ્ર ચહલ ટીમમાં ન હોવા પર પણ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું- ચહલની પસંદગી ન થવી હું સમજી શક્તો નથી. ભારતીય ટીમ ૧૫૦-૨૦૦ પર પર ઓલઆઉટ થવા પર બેટર વધારે છે, પરંતુ બોલર નહીં. આઠમાં નંબર પર બેટર રાખવાનો શું મતલબ છે. ટોચના પાંચ બેટર કંઈ ન કરી શક્યા તો સાતમાં આઠમાં ક્રમે આવનાર બેટર શું કરી લેશે. ભારતને એક બોલરની ખોટ પડશે.