પાવાગઢ માંચી વિસ્તારમાં પંચાયત હસ્તકની જમીન પરના 28 દબાણકર્તાઓને નોટિસ

હાલોલ,યાત્રાધામ પાવાગઢ માંચી હવેલી વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તકની જમીન પર ચા-નાસ્તની દુકાનો સહિત નાનો-મોટો ધંધો કરતા 28 દબાણકારોને સ્થાનિક પંચાયતના તલાટીએ તાત્કાલિક ધોરણે દિ-2માં દબાણ સ્વખર્ચે દુર કરવા અંગે નોટિસ આપતા નાનો-મોટો ધંધો કરી પેટિયુ રળતા પરિવારોમાં શોક ફેલાયો છે.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન મુજબ તાલુકા પંચાયતના સ્ટાફને સાથે રાખી સ્થાનિક તલાટીના સહી-સિકકા સાથેની નોટિસ ફટકારવામાં આવતા માંથી હવેલી વિસ્તારના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાવાગઢ ગ્રામ પંચાયતના તલાટી અને સ્ટાફ માંચી ખાતે પહોંચી 28 દબાણકર્તાઓને નોટિસો પાઠવી હતી. જેમાં તમે જિલ્લા ગ્રામ પંચાયતની જમીન પર દબાણ કરી કોમર્શીયલ બાંધકામ કરી વાણિજય રીતે ઉપયોગ કરતા હોય દિ-2માં તમારા સ્વખર્ચે દબાણો દુર કરી દેવા જમીન ગ્રામ પંચાયતને સોંપી દેવી નહિ તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 105 મુજબ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશેનુ નોટિસમાં જણાવ્યુ છે. પાવાગઢ મંદિર પ્રવાસન અને સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોને લઈ પાવાગઢની કાયાપલટ થઈ ગઈ છે. રોજબરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓની આવક જાવક છે. ત્યારે સરકાર અને જિલ્લા પ્રશાસન પાવાગઢ આવતા યાત્રાળુઓને સોૈપ્રથમ પ્રાથમિક સુવિધાઓમાં કોઈ તકલીફ ન પડે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. સાથે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતાં માંચી ખાતે વાહન પાર્કિંગ સહિત ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ ન બને તે માટે તંત્ર દ્વારા સરકારી જમીનો પર કરાયેલા દબાણો દુર કરી વધુ સારી વ્યવસ્થા કરવામાં આવશે.