દે.બારીઆ, દે.બારીઆ તાલુકા પંચાયતમાં પ્રમુખની અઢી વર્ષની સમય મર્યાદા પુરી થતાં હવે નવેસરથી તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ મેળવવા માટે કેટલાક ઉમેદવાર પોતાના સમર્થકો માટે કેટલાક ઉમેદવાર પોતાના સમર્થકો સાથે પાર્ટીના હોદ્દેદારો સાથે મથામણ અને ભલામણ કરી રહ્યા છે. દે.બારીયા તાલુકા પંચાયત પ્રમુખની સીટ અનુસુચિત જનજાતિ અનામત બેઠક છે.આ બેઠક માટે ચાર ઉમેદવારો સ્પર્ધામાં હોવાનુ જાણવા મળ્યુ છે.
દે.બારીઆ તાલુકા પંચાયતમાં કુલ 28 સીટ ઉપર સદસ્ય ચુંટાયેલા છે. જેમાં પીપલોદ બેઠકના સદસ્ય ગુજરી જવાથી હાલ આ સીટ ખાલી પડી છે. જયારે મહિલા સદસ્ય 15 છે. હાલમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પાર્વતીબેન ડી.રાઠવા અને ઉપપ્રમુખ તરીકે પંકજ એન.બારીયાનો કાર્યકાળ પુર્ણ થઈ રહ્યો છે. હવે નવેસરથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી તા.14/09/2023ના રોજ થનાર છે. જે માટે જિલ્લામાં ચાર નામોની યાદી પહોંચી હોવાની જાણકારી મળી છે. ભુતકાળમાં પ્રમુખ બની ચુકેલા અમરસિંહ રાઠવાના દિકરા જશવંત રાઠવાનુ નામ પ્રમુખપદની રેસમાં આગળ ચર્ચાય છે. જયારે ઉપપ્રમુખ માટે હજુ કોઈ નામ જાહેરમાં આવ્યુ નથી. જેને માટે પણ અનુભવી અને કાર્યદક્ષ ઉમેદવાર કદાચ ખુરશી શોભાવે તેવી વકી જણાય છે. બીજી તરફ પીપલોદ વિસ્તારમાંથી પણ તાલુકા પંચાયતમાં એકાદ હોદ્દો મળવો જોઈએ તેવી આશાઓ અહિંયાના કાર્યકર્તાઓ પાર્ટી પાસે રાખી રહ્યા છે. કેમ કે આ વિસ્તારમાં હજુ સુધી કોઈ હોદ્દો મળ્યો નથી. તાલુકા પંચાયત અસ્તિત્વમાં આવ્યા પછી માત્ર એક જ ટર્મમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ઉર્મીલા રાઠવાને જવાબદારી સોંપાઈ હતી જે પછી કોઈ મહત્વનો હોદ્દો આ વિસ્તારને મળ્યો નથી.