ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલિતાણાના નાની માળ ખાતે રહેતા એક પરિવારના પૌત્રની ચારેક માસ પહેલા સિહોરના પાંચવડા ગામે યુવતી સાથે સગાઇ કરવામાં આવી હતી. જેમાં દિકરા-દિકરીના અણબનાવથી આગેવાનોની હાજરીમાં સર્વસંમતીથી સગાઇ તોડવામાં આવ્યા બાદ, સગાઇના ફોટાને લઇ બોલાચાલી થતાં યુવતીના પિતા-ભાઇ તેમજ મામા ત્રણેય શખ્સોએ સામા પક્ષના યુવકના ભાઇ સાથે બોલાચાલી કરી, ગાળો આપી, બાજુમાં આવેલા તળાવમાં યુવકના ભાઇને ડુબાડી દઇ હત્યા કરી નાસી છુટતા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ નાનીમાળ ગામે રહેતા દુદાભાઇ કાનજીભાઇ પરમારના પૌત્ર જિજ્ઞેશભાઇની સગાઇ ચારેક માસ પહેલાં સિહોરના પાંચવડા વિસ્તારમાં રહેતા વલ્લભભાઇ કેશુભાઇ રાઠોડની દીકરી ઉર્વશી સાથે તેમની જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયેલ. પરંતુ દીકરા-દીકરીને મનમેળ ન થતાં સગાઇ તોડવા માટે બંને પક્ષના માણસો સોનગઢ ગામે પહાડી હનુમાનજી પાસે આવેલ મેલડીમાના મંદિરવાળી જગ્યાએ ભેગાં થયેલ હતા જ્યાં આગેવાનોની હાજરીમાં સમજુતીથી સગાઇ છૂટી કર્યા બાદ બંને પક્ષોએ સહીઓ કરી હતી. સગાઇ ફોક કર્યા બાદ યુવતીના દાદા કેશુભાઇએ સગાઇમાં પાડેલ ફોટા સળગાવવાની વાત કરતા યુવકના ભાઇ પરેશભાઇએ યુવતીના ફોટા તેમ લઇ જાવ, આલ્બમ સળગાવવો નથી.
તેમ કહેતા યુવતીના દાદા કેશુભાઇ, પિતા વલ્લભ રાઠોડ, યુવતીનો ભાઇ ઉદય રાઠોડ તેમજ યુવતીના મામા ગણેશ ચુડાસમાએ ઉશ્કેરાઇ જઇ પરેશભાઇ સાથે બોલાચાલી કરી, ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી બાજુમાં આવેલ તળાવ ખાતે લઇ ગયા બાદ તળાવામાં પરેશભાઇને ડુબાડી હત્યા કરી ત્રણેય નાસી છુટતા સોનગઢ ખાતે ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવ બાદ ફાયર બ્રિગેડને બોલાવી પરેશભાઇની લાશને પી.એમ. માટે હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી જ્યાં પરેશભાઇના દાદાએ સોનગઢ પોલીસમાં વલ્લભ રાઠોડ, ઉદય રાઠોડ તેમજ ગણેશ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.