- મહાનગરપાલિકાનો ૧૫૦મો સ્થાપના દિવસ હોવા છતાં ન તો કોઇ ઉજવણી થઇ ન તો પાલિકાના દરવાજા પર તોરણ બંધાયા.
મુંબઇ: તારીખ 4 સપ્ટેમ્બર 1873ના રોજ મુંબઇ મહાનગરપાલિકાના સભાગૃહની પહેલી સભા યોજાઇ એ મહાનગરપિલાકાનો સ્થાપના દિવસ હતો. સોમવારે મુંબઇ મહાનગરપાલિકાની સ્થાપનાને 150 વર્ષ પૂર્ણ થયા હતાં. વિશ્વના નકશા પર એક આગવી છાપ ધરાવનાર અને સુવર્ણ ઇતિહાસ ધરાવનાર શહેરની વ્યવસ્થા જાળવનાર મહાનગરપાલિકાનો 150મો સ્થાપના દિવસ હોવા છતાં ન તો કોઇ ઉજવણી થઇ ન તો પાલિકાના દરવાજા પર તોરણ બંધાયા. એટલું જ નહીં પણ એક નાનકડો દિવો પણ પ્રગટાવવામાં આવ્યો નહતો. મુંબઇ મહાનગરપાલિકાને જાણે રાજકારણની જ નજર લાગી ગઇ હોય એમ આખો દિવસ સૂનો સૂનો ગયો હતો. આ રાજકારણની રમતમાં અને અધિકારીઓ પર કાર્યવાહીની લટકતી તલવારને કારણે આ દિવસને કોઇએ યાદ નહતો કર્યો.
પાલિકાની સ્થાપના 1872માં થઇ હતી જો કે કોઇ વિગતો ઉપલબ્ધ ન હોવાથી પાલિકાની પહેલી સભા જે દિવસે થઇ એને જ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખરેખર તો આ દિવસ મુંબઇ મહાનગરપાલિકાએ ઘામ-ઘૂમથી ઉજવવો જોઇોત હતો. જોકે આ દિવસ મનાવવામાં ન તો કોઇને રસ હતો ન તો કોઇ ઉત્સાહ. આ અંગે મળતી વિગતો મુજબ હાલમાં મહાનપાલિકા સભાગૃહ અસ્તિત્વમાં નથી. પાલિકામાં હાલમાં પ્રશાસનના લોકોનું રાજ છે. આ પ્રશાસન હાલમાં પ્રેશરમાં છે. કોવિડ ગોટાળામાં અનેક નામો સંડોવાયેલા છે. અધિકારીઓ પોલીસ સ્ટેશનના આટાં-ફેરાં મારી રહ્યાં છે.
પાલિકામાં હાલમાં રાજકીય નેતૃત્વ જ નથી. પ્રશાસન કાર્યક્રમ આયોજીત કરે અને જો અધકારીની ધરપકડ થાય તો 150 વર્ષની આ ઉજવણીને કાયમી સ્વરુપે કાળો ધબ્બો લાગી શકે છે આ ડરને કારણે કોઇ એ પણ કાર્યક્રમનું આયોજન કર્યું નહીં. માત્ર પોતે ખૂબ જ કમનીસબ છે એમ જણાવી એક નિવૃત્ત અધિકારીએ જણાવ્યું કે, જે શહેરે દેશને અનેક સારા નોમો આપ્યા છે, જેમનું ઉદાહરણ આજે સારા કામ માટે આપવામાં આવે છે. તેઓ પોતે 150 વર્ષની ઉજવણી ન કરી શક્યા તેને તેમણે કમનસીબી ગણાવી હતી.
જો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો તો કોને આમંત્રીત કરવામાં આવ્યા હોત એ સૌથી મોટો વિષય હતો. કારણ કે આજે નેકાઓ દસે દિશાઓમાં છે. પાલિકાનો કાર્યક્રમ માત્ર સત્તાધારી પક્ષનો ન હોઇ શકે. કારણ કે આ લોકોની સંસ્થા છે. તમામ પક્ષો વચ્ચે હાલમાં એટલી બધી કડવાશ છે કે કોઇને આવી પરિસ્થિતીમાં બોલાવવું પણ શક્ય નહતું. તેવો પ્રશ્ન દરેક અધિકારી સામે હતો. આખરે આ ફંદામાં કોણ પડશે એવો વિચાર કરીને લોકોએ આ દિવસને નજર અંદાજ કર્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.