નવીદિલ્હી, ફ્રાંસ દેશના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જી૨૦ સમિટને લઈને મોટી વાત કહી દીધી છે. તારીખ ૯ અને ૧૦ના રોજ દિલ્હીમાં યોજાનારી જી ૨૦ સમિટમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે. ફ્રાન્સે કહ્યું છે કે, ભારતમાં આયોજિત જી૨૦ સમિટ વૈશ્ર્વિક પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત પ્રતિસાદ તરફ પ્રગતિ કરવાની તક છે.
ફ્રાન્સે સમિટમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભાગીદારીની પુષ્ટિ કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ મેક્રોન ૯-૧૦ સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાનારી જી ૨૦ સમિટમાં ભાગ લેશે. પછી બાંગ્લાદેશની દ્વિપક્ષીય મુલાકાતે જશે.
ફ્રાન્સે કહ્યું કે,જી ૨૦ સમિટમાં રાષ્ટ્રપતિ મેક્રોનને વિશ્ર્વના વિભાજનના જોખમોનો સામનો કરવા માટે દરેક ખંડના તેમના સમકક્ષો સાથે વાત કરવાની તક મળશે. વૈશ્ર્વિક પડકારોનો સાથે મળીને સામનો કરવાની આ સારી તક હશે. વૈશ્ર્વિક પડકારોનો સામનો કરવા માટે બહુપક્ષીય સહયોગ, શાંતિ અને સ્થિરતા, ગરીબી ઘટાડવી અને પર્યાવરણ અને ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવો જરૂરી છે. તારીખ ૯-૧૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં જી૨૦ સમિટ યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સ માટે દુનિયાના મોટા નેતાઓ ભારત આવી રહ્યા છે. વૈશ્ર્વિક પડકારોનો સામનો કરવા માટે જી ૨૦ સંગઠન કેટલું મહત્વનું છે તેનો અંદાજ એ હકીક્ત પરથી લગાવી શકાય છે કે, જી૨૦ દેશો વિશ્ર્વના કુલ ૮૫ ટકા હિસ્સો ધરાવે છે. તે જ સમયે, જી૨૦ દેશો વૈશ્ર્વિક વેપારમાં ૭૫ ટકા હિસ્સો ધરાવે છે.
વિશ્ર્વની બે તૃતીયાંશ વસ્તી જી૨૦ દેશોમાં રહે છે. જોકે, આ પહેલા પણ તેઓ ભારતને લઈને ઘણા પોઝિટિવ રહ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદી ફ્રાંસની મુલાકાતે ગયા હતા એ સમયે પણ વૈશ્ર્વિક મુદ્દાઓની લઈને વિસ્તારથી વાતચીત કરી હતી. જોકે, આ સમિટમાં ક્યા મુદ્દે ચર્ચા વિચારણા થાય છે એના પર સૌની નજર છે.