ભારતમાં હાર્ટ એટેકનું કારણ કોરોના વેક્સિન નથી,રસી લીધેલી વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી ડેથ રિસ્ક ઓછું

  • ૧,૫૭૮ લોકોનાં ડેટાના અભ્યાસનું તારણ

કોવિડ-19 મહામારી અને હાર્ટ એટેકના જોખમને રોકવા માટે ભારતમાં વપરાતી રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિન વચ્ચે કોઈ કનેક્શન બહાર આવ્યું નથી. દિલ્હીની જીબી પંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ સાથે, કોરોના સંકટ પછી હાર્ટ એટેકથી મોટી સંખ્યામાં મૃત્યુને લઈને ઊભી થતી શંકા દૂર થઈ ગઈ છે. આ અભ્યાસ, તાજેતરમાં PLOS One જર્નલમાં પ્રકાશિત થયો હતો, જેમાં તીવ્ર મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (AMI) અથવા હાર્ટ એટેક પછી મૃત્યુદર પર COVID-19 રસીકરણની અસર નક્કી કરવામાં આવી હતી.

તાજેતરમાં PLOS One જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, કોવિડ રસીની બૂસ્ટર ડોઝ ગંભીર રોગો સામે 95% સુધી રક્ષણ પૂરું પાડે છે. આ અભ્યાસમાં હૃદય રોગ વચ્ચે કોઈ જોડાણ જોવા મળ્યું નથી.

અભ્યાસમાં ઓગસ્ટ 2021થી ઓગસ્ટ 2022 વચ્ચે જીબી પંત હોસ્પિટલમાં દાખલ 1,578 લોકોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસીના પ્રકાર, રસીકરણની તારીખ અને દર્દીઓમાં પ્રતિકૂળ અસરોના વર્ણન સહિત દર્દીની રસીકરણની સ્થિતિ વિશે ડેટા મેળવવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા 1,086 (68.8 ટકા) લોકોને કોરોના રસી આપવામાં આવી હતી, જ્યારે 492 (31.2 ટકા) લોકોએ રસી લીધી ન હતી. રસીકરણ કરાયેલા ગ્રૂપમાંથી, 1,047 (96 ટકા)ને રસીના બે ડોઝ મળ્યા, જ્યારે 39 (4 ટકા)ને માત્ર એક જ ડોઝ મળ્યો.

અભ્યાસમાં સામેલ જીબી પંત હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડો.મોહિત ગુપ્તાએ જણાવ્યું હતું કે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વપરાતી રસીઓ સુરક્ષિત છે. રસીકરણનો હાર્ટ એટેક સાથે કોઈ સીધો સંબંધ નથી. ઊલટું, રસી લીધેલી વ્યક્તિઓમાં હાર્ટ એટેક આવ્યા બાદ મૃત્યુની શક્યતાઓ ઓછી હતી.

રસીની પ્રતિકૂળ અસરો મોટે ભાગે હળવી, ક્ષણિક અને મર્યાદિત રહી છે. ડો.મોહિત ગુપ્તાએ કહ્યું કે રસીની કોઈપણ આડઅસર ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશમાં વિનાશક અસર કરી શકે છે, પરંતુ કોવિશિલ્ડ અને કોવેક્સિનમાં એવું કંઈ થયું નથી.

સંશોધકોએ શોધી કાઢ્યું કે રસીકરણ પછી કોઈપણ ખાસ સમયે હાર્ટને લગતી કોઈ પરેશાનીનું ચોક્કસ જોડાણ જોવા મળ્યું નથી, જે સૂચવે છે કે કોવિડ રસી અને હૃદયરોગના હુમલા વચ્ચે કોઈ નોંધપાત્ર જોડાણ નથી. 30 દિવસના ફોલો-અપ પછી 201 (12.7 ટકા) દર્દીઓમાં સર્વ-કારણ મૃત્યુદર જોવા મળ્યો હતો, જેમાં રસીકરણ કરાયેલ લોકોમાં મૃત્યુદરની સંતુલિત સંભાવના નોંધપાત્ર રીતે ઓછી હતી.

છ મહિનાના ફોલોઅપમાં એવું તારણ મળ્યું કે હૃદય રોગના દર્દીઓ જેમણે રસી લીધી હતી તેમનામાં મૃત્યુદરની શક્યતા ઓછી હતી. અભ્યાસ પ્રમાણે કોવિડ-19 વિરોધી રસીઓ પછી AMIના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો હતો.

સંશોધકોએ જણાવ્યું હતું કે વધતી ઉંમર, ડાયાબિટીસ અને ધૂમ્રપાન કરનારાઓમાં મૃત્યુનું જોખમ વધારે હોય છે. અભ્યાસનાં તારણો દર્શાવે છે કે, કોરોના થયા પછીના 30 દિવસ અને છ મહિનામાં રસી ન લેનાર લોકોની સરખામણીમાં રસીકરણ કરાયેલા લોકોમાં મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું હતું.

આ અભ્યાસ એએમઆઈ દર્દીઓની મોટી વસ્તી વચ્ચે હાથ ધરવામાં આવેલો પહેલો અભ્યાસ છે, જેમાં દર્શાવાયું છે કે કોવિડ-19 રસી માત્ર સુરક્ષિત જ નથી, પણ ટૂંકા ગાળાના તેમજ સર્વ-કારણ મૃત્યુદરમાં ઘટાડો કરવાના સંદર્ભમાં રક્ષણાત્મક અસર કરે છે. જેમાં દર્દીઓનું છ મહિના સુધી ફોલોઅપ કરવામાં આવ્યું હતું. ડો.ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ અભ્યાસ મોટા પાયે પણ કરી શકાય છે.

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ચેપી રોગના નિષ્ણાત ડો. ફહીમ યુનુસે આ બાબતે એક અભ્યાસ શેર કર્યો છે. આમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોવિડનો બૂસ્ટર ડોઝ 95 ટકા સુધી ગંભીર બીમારીથી બચાવે છે. બૂસ્ટર ડોઝ લીધા પછી શરીર પર કેટલીક આડઅસર દેખાઈ શકે છે. જેમ કે તાવ, શરીરનો દુખાવો વગેરે. બીજી તરફ, તે સંપૂર્ણ અફવા છે કે તેનાથી હાર્ટ એટેક આવી શકે છે. કોવિડ રસી અને હૃદય રોગ સાથે કોઈ સંબંધ નથી.

કોરોનાનો બૂસ્ટર ડોઝ એટલો સારો છે કે તે પહેલાં બે ડોઝની તુલનામાં 95 ટકા સુધી સુરક્ષા અને ગંભીર રોગોથી રક્ષણ આપે છે. અભ્યાસમાં તેની આડઅસરો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તો તેનો હાર્ટ એટેક સાથે કોઈ સંબંધ નથી. બૂસ્ટર ડોઝ લીધા પછી શરીરનો દુખાવો, માથાનો દુખાવો અને થાક જેવી આડઅસરો માનવ શરીર પર જોવા મળી છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. ઘણા લોકો આને કોરોના રસી સાથે જોડાણ તરીકે જોઈ રહ્યા છે. પરંતુ આ અભ્યાસથી ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું છે.