ઉદયનિધિનું માથુ લાવનારને શ્૧૦ કરોડનું ઈનામ : પરમહંસ આચાર્યે જાહેરાત કરી

ચેન્નઈ તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને બીજી સપ્ટેમ્બરે સનાતમ ધર્મને કોરોના વાઈરસ સાથે સરખાવીને તેને ખતમ કરવાની વાત કરી હતી. આ અંગે અયોધ્યાના સંત પરમહંસ આચાર્યે સોમવારે નારાજગી દર્શાવતા કહ્યું કે ‘આવું બોલનારા સ્ટાલિનનું સર કલમ કરનારાને હું રૂ. દસ કરોડનું ઈનામ આપીશ.’ આ દરમિયાન આચાર્યે ઉદયનિધિના પોસ્ટર પર તલવાર પણ ચલાવી. બીજી તરફ, ઉદયનિધિએ કહ્યું કે ‘મારી વાતને લોકોએ કારણ વિના જ નરસંહાર સાથે જોડી દીધી છે. હું સનાતન ધર્મને ખતમ કરવાની વાત પર કાયમ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે. તો શું એનો અર્થ એ છે કે કોંગ્રેસીઓની હત્યા કરી નાંખવી જોઈએ? કેટલાક લોકો બાળકો જેવું વર્તન કરે છે અને કહે છે કે મેં લોકોને નરસંહાર માટે ઉશ્કેર્યા છે. અમુક લોકો દ્રવિડમને પણ સમાપ્ત કરવાની વાત કરે છે. તો તેનો અર્થ એ છે કે દ્રમુક સમર્થકોને મારી નાંખવા જોઈએ?’

બીજી તરફ, ઉદયનિધિ સામે બિહારની મુઝફ્ફરનગર કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. તેમાં કહેવાયું છે કે ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણીઓથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ કેસની સુનાવણી 14 સપ્ટેમ્બરે થશે. આ પહેલા દિલ્હી પોલીસ તરફથી સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલ દ્વારા ઉદયનિધિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. આ ફરિયાદમાં પણ ઉદયનિધિના નિવેદનને સનાતન ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ગણાવાયું છે.

નોંધનીય છે કે, ઉદયનિધિએ બીજી સપ્ટેમ્બરે ચેન્નઈમાં એક સનાતન ઉન્મૂલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં આપેલા ભાષણમાં તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મ કોરોના, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે. તેનો ફક્ત વિરોધ ના કરાય પરંતુ તેને ખતમ કરવો જરૂરી હોય છે.

ઉદયનિધિ સામે બિહાર અને દિલ્હીમાં ફરિયાદો પછી તેમણે કહ્યું છે કે હું મારા નિવેદનો પર મક્કમ છું. મારી સામે કાયદેસર કેસ કરો, હું લડી લેવા તૈયાર છું. આખરે સનાતન શું છે? તેનો અર્થ એ છે કે કશું પણ બદલવું ના જોઈએ, બધું જ સ્થાયી છે પરંતુ દ્રવિડ મોડલ પરિવર્તનની માંગ કરે છે અને તમામને સમાન હકની તરફેણ કરે છે. ભાજપ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાથી ડરી ગયો છે. તેથી મુદ્દો ભટકાવવા તેઓ આવું કરી રહ્યા છે. ડીએમકેની નીતિ પણ એક કુળ, એક ભગવાનની છે.