- સમાજનું ઘડતર શિક્ષકોના હાથમાં છે, પુરાણકાળથી ગુરૂજનો સમાજમાં ઉચ્ચ આસને બીરાજે છે. સાંસદ રતનસિંહ રાઠોડ.
મહીસાગર, મહીસાગર જીલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક વિતરણ સમારોહ સાંસદ રતનસિંહ રાઠોડેની અધ્યક્ષતામાં સંતરામપુર ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ રતનસિંહ રાઠોડે શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન અને તમામ ગુરૂજનોની વંદના કરતા જણાવ્યુ હતું કે, શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા છે. કોઈ પણ સમાજ અથવા દેશનું સારૂં ભવિષ્ય બનાવવાની જવાબદારી શિક્ષકોની છે. તેઓ વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. સમાજનું ઘડતર શિક્ષકોના હાથમાં છે, પુરાણકાળથી ગુરૂજનો સમાજમાં ઉચ્ચ આસને બીરાજે છે. પુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રૃષ્ણનના જન્મ દિવસને ગુરૂને સન્માનવાનો દિવસ એટલે કે શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.
જીલ્લા પંચાયત પ્રમુખ રમિલાબેન ડામોરે પુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રૃષ્ણને તેમનો જન્મ દિવસ સમગ્ર રાષ્ટ્રના શિક્ષકોને સમર્પીત કરી દેશના ખુણે ખુણે સમાજમાં જ્ઞાનનું અજવાળુ ફેલાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. શિક્ષક અને માતા એક સિક્કાની બે બાજુ છે. શિક્ષણ બાળકના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે.
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જીલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડ માટે તાલુકા કક્ષાએ પ્રાથમિક વિભાગમાંથી સંતરામપુર તાલુકાના સંત શિક્ષણાનુભવ પ્રા.શાળાના આસિસ્ટન્ટ શિક્ષક કોઠારી ફૈયાઝ અહેમદ શબ્બીર, ખાનપુર તાલુકામાથી છાણી પ્રા.શાળા આસિસ્ટન્ટ શિક્ષક હિનાબેન જીવણભાઈ પટેલ અને સોમાભાઇ પૂજાભાઈ ડામોરને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવ્યા હતા. જયારે જીલ્લા કક્ષા માટે પ્રાથમિક વિભાગમાથી સંતરામપુર તાલુકાના સંત શિક્ષણાનુભવ પ્રા.શાળાના આસિસ્ટન્ટ શિક્ષક પ્રજાપતિ વર્ષાબેન મંગળભાઈ, જીલ્લા કક્ષા સી.આર સી/બી.આર.સી/કેળવણી નિરીક્ષક/એચ.ટાટ આચાર્ય વિભાગમાથી સતરામપુર તાલુકાના કણજરા પ્રાથમિક શાળાના એચ.ટાટ આચાર્ય ઉમેશકુમાર કાંતિલાલ પુવાર અને માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાથી લુણાવાડા તાલુકાના મધવાસ ગામની નવસર્જન હાઈસ્કુલના મદદનિશ શિક્ષક દિનેશભાઇ હીરાભાઈ પટેલને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવ્યા હતા.
સાથે સાથે શ્રેષ્ઠ દેખાવ કરનાર જીલ્લાના પ્રતિભાશાળી બાળકોમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધનામાં 7 અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુમાં 5 વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલ બદલી કેમ્પમાં મહીસાગર જીલ્લામાં કેમ્પ દરમ્યાન ટેકનોલોજીનો ઉપયોગ કરી પારદર્શકતા સાથે ખાલી જગ્યાઓનું રીયલ ટાઇમ અપડેશન ગૂગલશીટના માધ્યમથી કરવામાં આવ્યું. બદલી માટે આવેલ શિક્ષકોએ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવેલ પારદર્શક આયોજનની પ્રસંશા કરી ખુશી વ્યકત કરી હતી. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ આ કામગીરીમાં સહયોગી થનાર શિક્ષક મિત્રો સર્વ નરેન્દ્રભાઇ પટેલ, સોમાભાઇ પટેલ, મનોજકુમાર પટેલ, પરેશકુમાર પટેલ, રાકેશકુમાર બારૈયા, મેહુલકુમાર પટેલ ,ભાવિકકુમાર પટેલ, હેમાંગકુમાર પટેલને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન બાબુભાઇ, જીલ્લા કલેકટર ભાવિન પંડયા અને જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળવા બદલ શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે જીવનમાં શિક્ષકોનું મહત્વ વર્ણવતા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
સમારોહના પ્રારંભમાં સંતરામપુર ક્ધયા શાળાની બાલીકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારી ડો.અવનીબા મોરીએ મહાનુભાવોને આવકાર્યા હતા.અંતે શિક્ષણ નિરીક્ષક સુનીલ પારગીએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે મહીસાગર જીલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખઓ અને હોદ્દેદારઓ, બી આર સી સી આર સી સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઇઓ બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ શિક્ષક દિન નિમિત્તે સંકલ્પ લીધો હતો.