પંચમહાલ જીલ્લાના ત્રણ તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

  • પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા,પંચમહાલ દ્વારા મોરવા હડફ,ગોધરા અને શહેરા તાલુકાના ખેડૂતો માટે તાલીમ યોજાઈ.

ગોધરા, પંચમહાલ જીલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્ર, ધોળાકુવા ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ બોર્ડના નેજા હેઠળ રાજ્ય તેમજ જીલ્લાના અને દરેક ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે હેતુથી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પંચમહાલ દ્વારા એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમીન જળ પર્યાવરણ તેમજ પૈસાનો બચાવ થાય અને આવનારી પેઢીનું ભવિષ્યનું સ્વસ્થ નિર્માણ થાય તે વિષય ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આત્મા પંચમહાલ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જીલ્લાના મોરવા હડફ, ગોધરા તેમજ શહેરા તાલુકાના ખેડૂત ભાઈઓ માટે એક દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. પ્રાકૃતિક ખેતી વિશે જીલ્લાના સંયોજક અજીતભાઈ સોલંકી તેમજ મકાઈ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક કનુભાઈ પટેલ અને આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ગોધરા શહેરા તેમજ મોરવા હડફના બ્લોક ટેકનોલોજી મેનેજર વિનોદભાઈ અને વિશાલભાઈ અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અર્જુનભાઈ અને ગણપતભાઈ દ્વારા માર્ગદર્શન અપાયું હતુ.

આ તાલીમમાં અત્યારે ખરીફ સીઝનમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતોએ કરી છે અને હાલ વરસાદ ખેંચાતા જીવામૃત ક્યારે આપવું તથા કેટલું આપવું તેમજ વાદળછાયું વાતાવરણ હોવાથી જે પ્રાકૃતિક પદ્ધતિથી રોગ જીવાતને નાશ કરી શકે તેવી બનાવટો અને તેના ઉપયોગ જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર કેવી રીતે બનાવવું તેમજ બજાર માંથી કંઈ પણ વસ્તુની ખરીદી કર્યા સિવાય આ પ્રમાણના કીટનાશક અસ્ત્રો બનાવવા અંગે ખેડૂતોને સચોટ માર્ગદર્શન અજીતભાઈ દ્વારા અને આત્માના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું.

આ સાથે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જેવા કે, બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત આચ્છાદન તેમજ સહજીવી પાકો અને વાપસા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મકાઈ સંશોધન માંથી આવેલા વૈજ્ઞાનિકએ ખેતીની સાથે સાથે જીવનમાં આધ્યાત્મિક પરિવર્તન સાથે ખેતી કરવી તેમ જ ખેડૂતોને અત્યારના વ્યસનોથી મુક્ત થઈને પોતાના પરિવારને તેમજ સમાજને સમય આપીને આગળ લાવે તેવા પ્રયત્ન કરે તો ખેડૂતો તેમજ આવનારી પેઢીને ખૂબ જ ફાયદો થાય એવું જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવેલી ઉપજો પોતે તેમજ બજારમાં અન્ય લોકોને વેચીને પોતાની આવકમાં વધારો કરી અને અન્ય લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવી અને પોતે થોડી જમીનમાં પણ પ્રાકૃતિક ખેતી કરશે તેવો સંકલ્પ લઈ તાલીમ પૂર્ણ કરાઈ હતી.

આ તાલીમમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા તેમની પ્રાકૃતિક ખેતીની દેશી ગાય આધારિત પુસ્તિકા ખેડૂતોને આપવામાં આવી હતી. તેમજ તેનો અભ્યાસ કરીને જરૂરી સમયે માર્ગદર્શન મળી રહે તે અંગે માહિતી આપવામાં આવી હતી.