વડાપ્રધાન મોદી ૬ સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાની બે દિવસીય મુલાકાતે જશે, ૧૮મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૨૦ સમિટ પહેલા ઈન્ડોનેશિયાની મુલાકાત લેશે. પીએમ મોદી ૬ સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાની બે દિવસીય મુલાકાતે જશે. વડાપ્રધાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર જકાર્તા જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી ૨૦મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને ઈન્ડોનેશિયા દ્વારા આયોજિત ૧૮મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.

૨૦૨૨માં ભારત-આસિયાન સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત કર્યા પછી આસિયાન-ભારત સમિટ એ પ્રથમ સમિટ છે. આ સમિટ દરમિયાન ભારત-આસિયાન સંબંધોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે સહકારને લઈને ભવિષ્યની દિશા નક્કી કરવામાં આવશે.

પૂર્વ એશિયા સમિટ આસિયાન દેશોના નેતાઓ અને ભારત સહિત તેના આઠ ભાગીદારોને પ્રાદેશિક અને વૈશ્ર્વિક મહત્વના મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરવાની તક પૂરી પાડશે.

તમને જણાવી દઈએ કે ભારતમાં G-૨૦ સમિટની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ભારત હાલમાં G-૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં જી-૨૦ સમિટનું આયોજન થવાનું છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ૠષિ સુનક, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સહિત વિવિધ દેશોના ટોચના નેતાઓ સામેલ થશે.